દિલ્હીના જામા મસ્જિદમાં બે વિદેશી મહિલાઓના ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલે વિવાદ ઉભો થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ ભારતની આ ઐતિહાસિક મસ્જિદમાં પર્યટકો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ગુરૂવારે એક તસવીર સામે આવી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે, પર્યટકો માટે મસ્જિદના હોલમાં આવવાની મનાઇ છે, અહીં માત્ર નમાઝ પઢનારાઓએ જ પ્રવેશ લેવો.
ટિકટોક પર વીડિયો સામે આવ્યાં બાદ મસ્જિદ કમિટી તરફથી આ બોર્ડ લગાવવામાં આવ્યું છે. જો કે શાહી ઇમામે આ વાતને ખોટી કહી હતી અને કહ્યું હતું કે, અંદર જવા માટે કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ નથી. જામા મસ્જિદના મેન હોલમાં જવા માટે સાત ગેટ છે તેમાંથી 6 પર્યટકો માટે બંધ કરવામાં આવ્યાં છે, એક મોટો ગેટ પર્યટકો માટે ખોલવામાં આવ્યો છે જેથી સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
આ તસવીર સામે આવ્યાં બાદ સોશિયલ મીડિયા પર બે પ્રકારની કોમેન્ટ સામે આવી રહી છે. એક તરફ લોકો કહી રહ્યાં છે કે કદાચ વિદેશી મહિલાઓને ખબર નહીં હોય તેથી તેમને આ વીડિયો બનાવ્યો હશે, તો આવું કરતા રોકવાની જવાબદારી મસ્જિદ પ્રબંધનની છે અને તેઓ એમાં નિષ્ફળ ગયાં છે તેથી હવે પ્રવેશ બંધ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો જો કે આને યોગ્ય કહી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ઇબાદતગાહમાં આ પ્રકારની હરકત સહન કરવામાં નહી આવે.