આર્થિક સુસ્તીની અસર જોવા મળીઃ માલ બુકીંગમાં ભારે ઘટાડો થવાથી ટ્રાન્સપોર્ટરો લોનના હપ્તા ચુકવી શકે તેવી સ્થિતિમાં પણ નથી…
નવી દિલ્હી : આર્થિક સુસ્તીની અસર ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર જોવા મળી રહી છે. માલ બુકીંગમાં ભારે ઘટાડો થવાથી ટ્રાન્સપોર્ટરો માટે લોનના હપ્તા ભરવાનું પણ મુશ્કેલ બની રહ્યુ છે. સ્થિતિની ગંભીરતા જોતા ટ્રાન્સપોર્ટ સંગઠનોએ સરકાર પાસે હસ્તક્ષેપની માંગણી કરી છે.
દેશના પરિવહન ક્ષેત્ર ઉપર ચાંપતી નજર રાખતી નિષ્ણાંતોની સંસ્થા ઈન્ડીયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોટ એન્ડ ટ્રેનીંગના જણાવ્યા પ્રમાણે આર્થિક સુસ્તીને કારણે ટ્રાન્સપોર્ટરોના બુકીંગમા ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. માલવહનના પુરતા ઓર્ડરો ન મળવાથી ટ્રાન્સપોર્ટરોના ૩૦ થી ૪૦ ટકા ખાલી ઉભા છે. આવકમાં ઘટાડાના કારણે ટ્રાન્સપોર્ટરો માટે ટ્રકની ખરીદી માટે લેવામાં આવેલ લોનના હપ્તા ચુકવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ટ્રાન્સપોર્ટરો બેન્કોને જણાવી રહ્યા છે કે, હપ્તા ભરવા માટે તેમને મહેતલ આપવામાં આવે.