Charotar Sandesh
ઈન્ડિયા

તારીખ-પે-તારીખ : શું ખરેખર ૧ ફેબ્રુઆરીએ નરાધમોને ફાંસી થશે..!?

૪ નરાધમો વિરુદ્ધ ફરી ડેથ વારંટ જાહેર, કાયદાની આંટીઘૂંટી હજી યથાવત્‌…

નિર્ભયા ગેંગરેપના નરાધમોને ૧ ફેબ્રુઆરીએ સવારે ૬ કલાકે ફાંસી આપવા દિલ્હી કોર્ટનો ફરી હુકમ…

ન્યુ દિલ્હી : તારીખ પે તારીખ.. ના ચકડોળે ચઢેલા નિર્ભયા કેસમાં એક પછી એક કાનૂની દાવપેચમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એક નરાધમ મુકેશની દયાની અરજી ફગાવી દેતાં હવે ૪ નરાધમોને ૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૬ વાગે ફાંસીના માંચડે ચઢાવવામાં આવશે. દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટ દ્વારા ફરીથી ૪ નરોધમો સામે ડેથ વોરંટ જારી કરાયો હતો. અગાઉ ૭ જાન્યુ.ના રોજ ડેથ વોરંટ આ જ કોર્ટ દ્વારા જારી કરાયો હતો. જેમાં ૨૨ જાન્યુ.ના રોજ ૪ નરાધમોને ફાંસી આપવાનો હુકમ તિહાર જેલના સત્તાવાળાઓને કર્યો હતો. જો કે કાનૂની અડચણને કારણે તેના પર અમલ થઇ શક્યો નહોતો. હવે ફરીથી ડેથ વોરંટ જારી કરાયો છે પરંતુ ૪ પૈકીના એક દોષિત પવને હાઇકોર્ટ દ્વારા અગાઉ તેમની વિરુધ્ધ અપાયેલા ચુકાદાની સામે આજે સુ્‌પ્રિમ કોર્ટમાં અપીલ કરતાં આ કેસમાં ફરી કોઇ નવો વળાંક આવે તેમ છે. હાઇકોર્ટે તે વખતે આરોપી પવનને સગીર હોવાનું માનવાનો ઇન્કાર કરીને ફાંસીની સજા યથાવત રાખી હતી. જેની સામે આજે પવને અપીલ કરતાં એવી છાપ ઉપસી રહી છે કે નરાધમો ફાંસીથી બચવા માટે એક પછી એક કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરીને ફાંસીને લંબાવી રહ્યાં છે. પરંતુ કાયદાકીય રીતે તમામ છટકબારીઓનો ઉપયોગ કરવા છતાં આ કેસમાં ૪ નરાધમોની ફાંસી અટકી શકે તેમ નથી એમ નિર્ભયાના પરિવારજનોનું માનવુ છે. નોંધનીય છે કે છેલ્લાં ૮ વર્ષથી આ કેસમાં નીતનવા વળાંકો આવ્યાં છે અને ગેંગરેપનો ભોગ બની મોતને ભેટનાર નિર્ભયાને હજી ન્યાય મળ્યો નથી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના દોષિત મુકેશ સિંહની ફાંસીની સજા બદલ કરેલી દયા અરજીને આજે ફગાવી દીધી હતી. મુકેશ સિંહે ૧૪ જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન રદ થયા બાદ રાષ્ટ્રપતિ સામે અંતિમ વિકલ્પરૂપે દયા અરજી કરી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં મુકેશ સહિતના ચાર દોષિતોને ૨૨ જાન્યુઆરીએ ફાંસીની સજા આપવાનું ડેથ વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. જો કે મુકેશની દયા અરજી પર નિર્ણય બાકી હોવાથી ગુરુવારે કોર્ટે ૨૨ જાન્યુઆરીના ફાંસીની સજા શક્ય નહીં હોવાનું જણાવ્યું હતું.

આ પહેલા ચારે અપરાધીઓમાંથી મુકેશ સિંહે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને ફાંસીની સજા પર રોક લગાવવા માટેની અરજી કરી હતી. જેના કારણે નરાધમોને આપવામાં આવતી ફાંસની સજામાં ફેરફાર થાય તેવી પણ સ્થિતિનું સર્જન થયું હતું.

પટિયાલા હાઉસ કોર્ટે ૭ જાન્યુઆરીના મુકેશ સિંહ, પનવ ગુપ્તા, વિનય શર્મા અને અક્ષય ઠાકુર સામે ડેથ વોરન્ટ જાહેર કરી દીધું હતું. બંધારણીય ઢબ મુજબ દોષિતો પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજીનો છેલ્લો વિકલ્પ બચ્યો હતો. ચાર દોષિતો પૈકી મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી જેલ તંત્રને સોંપી હતી. ગૃહ મંત્રાલયે ગત રાત્રે દયા અરજી રાષ્ટ્રપતિને રવાના કરી હતી. મુકેશની ફાંસીની સજા સામેની દયા અરજી ફગાવવા અપીલ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ગૃહ મંત્રાલયના સૂત્રોના મતે મુકેશની દયા અરજી ફગાવી હોવાની સુચના પણ તેમને મળી ગઈ છે.

જો કે હજુ પણ ત્રણ દોષિતો પાસે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજીનો વિકલ્પ બચ્યો છે. ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ના દિલ્હીમાં થયેલા ચકચારી ગેંગરેપના એક દોષિ વિનય શર્માની પણ દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પહોંચી હતી. જો કે તેણે બાદમાં એમ જણાવીને અરજી પરત લઈ લીધી હતી કે આ માટે તેની રાય લેવાઈ નહતી. જેલ નિયમ મુજબ તમામ દોષિતોના કાયદાકીય વિકલ્પ પૂર્ણ ના થાય ત્યાં સુધી કોઈને પણ ફાંસી આપી શકાતી નથી.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવી દેવામાં આવે છે ત્યારબાદ પણ દોષિતોને ફાંસી આપવામાં ૧૪ દિવસનો સમય મળે છે.

Related posts

છેડતીથી બચવાના પ્રયાસ દરમ્યાન વિદ્યાર્થીનીનું માર્ગ અકસ્માતમાં મોતઃ પિતાનો હત્યાનો આક્ષેપ

Charotar Sandesh

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૭ કેસ : તંત્ર દોડતું થયું

Charotar Sandesh

દેશમાં અગ્નિવીરો માટે ભરતીનો મંચ તૈયાર : અગ્નિપથથી આઈએએફનું સપનું થશે પુરૂ

Charotar Sandesh