Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

દ્વારકાના મોટા આસોટા ગામે આભ ફાટ્યુ : ૧૩ ઇંચ વરસાદ ખાબક્યો…

ભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણુ, ભેંસો, મોટર સાયકલ, ગાડા તણાયાં…

મોટા આસોટા ગામના તમામ તળાવો, ચેકડેમો એક જ વરસાદમાં ભરાયા,એનડીઆરએફની ટીમ રવાના…

દ્વારકા,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે આજે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ માત્ર ૩ કલાકમાં જ ૧૩ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને ગામના મકાનો અડધા ડૂબેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. ગામની બજારોમાં નદીની જેમ વહી રહ્યું છે. ભારે વરસાદથી ભેંસો, બાઇક, મોટરકાર પણ તણાયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ આહીર સમાજની દીવાલ પણ ધરાશાયી થઇ છે. જો કે કોઇ જાનહાનિ સર્જાયાના સમાચાર નથી. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાયા છે.
આસોટા ગામમાં ૧૩ ઇંચથી વધુ વરસાદ પડતા કલેક્ટર તંત્ર દોડતું થયું છે. મામલદાર, આરોગ્ય ટીમ સહિતની ટીમો દોડી આવી છે. અનરાધાર વરસાદથી મોટુ નુકસાન થયાનું હાલ જાણવા મળ્યું છે. પૂરના પાણી ઓસરે પછી જ ગામમાં સર્જાયેલી તારાજી વિશે જાણવા મળશે. હાલ તો તંત્ર બનતી કોશિશ કરી લોકોને સલામત સ્થળે ખસેડવામાં કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જરૂર પડ્યે એનડીઆરએફની ટીમ, ફાયરબ્રિગેડ સહિતની ટીમને રવાના કરવામાં આવશે.
મોટા આસોટામાં ભારે વરસાદથી ગામના તમામ તળાવો અને ચેકડેમો એક જ વરસાદમાં ભરાય ગયા છે. તેમજ મોટાભાગના ખેડૂતોના ખેતરોના પાળા તૂટી ગયા છે અને ધોવાણ થયું છે. આજે સવારે મૂશળધાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું ત્યારે ગ્રામજનોમાં ભયની લાગણી જોવા મળી હતી.
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ૧૦૫.૪૧ ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર કેરળના દરિયાઈ વિસ્તારમાં રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ જિલ્લામાં ૯ સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ અસર રહેશે. છેલ્લા ૨૪ કલાકથી અવિરત વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આંકડા પર નજર કરીએ તો ૨૪ કલાકમાં સૌરાષ્ટ્રમાં તાલાલામાં ૬ ઇંચ, લોધિકા અને જોડિયા અને પડધરીમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદા નદી ભયજનક સપાટી ઓળંગતા ગોલ્ડન બ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં પાણી ઘુસી ગયા છે. જેથી ૭૦ સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં ભાદર ૨ ડેમ ઓવરફ્લો થતાં ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. તો કચ્છ જિલ્લાના અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે. આજવા ડેમની સપાટી ૨૧૨.૮૫ ફૂટે પહોંચતા ફરી ઓવરફ્લો થયો છે. જેથી વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતા વડોદરાવાસીઓમાં ફરીથી પૂરનો ભય જોવા મળી રહ્યો છે.

Related posts

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ : દારૂબંધી-દુષ્કર્મ કેસનાં મુદ્દા ચર્ચાયા…

Charotar Sandesh

રાજ્યના ૩૧ તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ, વલ્લભીપુરમાં ૩ ઇંચ વરસાદ…

Charotar Sandesh

નીતિનભાઇ, તમે રસી લીધી એટલે હવે અમે ય રસી લઇ લઇશું : અમિત ચાવડા

Charotar Sandesh