Charotar Sandesh
ગુજરાત દક્ષિણ ગુજરાત

દ.ગુજરાતમાં ભારે વરસાદને પગલે ૧૦ હજાર લોકોને ભારે હાલાકી, NDRFની ટીમ તૈનાત…

મધુબન ડેમના ૮ દરવાજા ખોલાયા, ૨૦થી વધુ કોઝવે પાણીમાં ગરક…

સુરત,
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક તેવર અપનાવતા તમામ તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગત રોજ સાંજથી ધોધમાર રૂપે વરસેલા વરસાદમાં કપરાડામાં સૌથી વધુ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરત, ઓલપાડ, કામરેજ, માંગરોળ, વાપી, વઘઈમાં ૪ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે સવારથી પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. જ્યારે ત્રણ જેટલા ડેમો પણ ઓવરફ્લો થઈ ગયા છે. દક્ષિણ ગુજરાતના અનેક કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે. હાલ તો વલસાડ, ઓલપાડ અને નવસારીમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે.
કપરાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ચેક ડેમ કોઝવે તેમજ રસ્તાનું ધોવાણ થયેલ છે. નાનાપોઢા – કપરાડા નેશનલ માર્ગ માંડવા માતુનીયા ખાતે અને કુંભઘાટ માર્ગ ઉપર ખાડા પડી ગયા છે . કેટલાક નીચાણવાળા ધરાવતા ચેકડેમ કમ કોઝ વે સતત ત્રીજા દિવસે પણ ડુબાણમાં રહ્યા છે. જેના કારણે લોકોનો અન્ય ગામ સાથેનો સંપર્ક ખોરવાયો છે અને શાળા અભ્યાસ કરતા બાળકો તેમજ રોજીરોટી માટે મજૂરી કરવા જતા લોકોની રોજગારી ખોરવાઇ છે. ૨૪ કલાકના ભારે વરસાદ બાદ આજે પણ બે ઈંચ જેટલા વરસાદના કારણે હજુ ૧૦ હજારથી વધુ લોકો મુશ્કેલીમાં છે.
વલસાડ અને હનુમાનભાગડા,લીલાપોરને જોડતા પીચિંગ અને વલસાડ ખેરગામને જોડતાં પારડીસાંઢપોર કૈલાસ રોડના ઔરંગા બ્રિજ પરથી ઉપરવાસના ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા. ઠેર ઠેર પાણી પાણી જોવા મળ્યા હતા. બ્રિજ પરથી સંપૂર્ણ અવરજવર સવાર સુધી બંધ રહી હતી. બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મધુબનમાં ૧૦૨૫૧૯ ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી.જ્યારે ડેમમાંથી ૮ દરવાજા ૩ મીટર સુધી ખોલીને ૯૫૯૫૨ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
મહુવા તાલુકાના ૧૩ કોઝવે પાણીમાં ડૂબી જતાં ૨૬ ગામના લોકોને અસર થઇ છે. જ્યારે માંડવીના ૪ કોઝવે ડૂબી ગયા છે. બીજી તરફ ડોલવણના પણ ૨ કોઝવે ડૂબી જતા ૮ ગામના લોકોને સંપર્ક તૂટી ગયો છે. વહેવલ અને તરકાણી ગામને જોડતો કોષ ખાડી પરનો કોઝવે. કોષ અને ઉપલી કોષને જોડતો કોષ ખાડી પરનો કોઝવે. ઘાણી અને બામણામાળને જોડતો ઓલણ નદી પરનો કોઝવે. ભગવાનપુરા અને સાંબા ગામને જોડતો ઓલણ નદી પરનો કોઝવે. સેવાસણ અને વાછરવાડ ગામને જોડતો ટોકરવા ખાડી પરનો કોઝવે. સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં માંડવીમાં ૭૫ મિમિ, વઘઈમાં ૭૧ મિમિ, ઓલપાડમાં ૫૯ મિમિ, વોલાડમાં ૫૭ મિમિ, બારડોલીમાં ૫૫ મિમિ, મહુવામાં ૫૩ મિમિ, કપરાડામાં ૫૩ મિમિ, પલસાણામાં, ૫૨ મિમિ, આહવામાં ૫૧ મિમિ, સોનગઢમાં ૪૮ મિમિ, ઉમરગામાં ૪૬ મિમિ, વાંસદામાં ૪૫ મિમિ સહિત અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

Related posts

અયોધ્યામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનું આયોજન

Charotar Sandesh

PM નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે

Charotar Sandesh

કલમ ૩૭૦ હટતા વકીલો અને લોકોએ ફટાકડા ફોડી નિર્ણય વધાવ્યો…

Charotar Sandesh