Charotar Sandesh
વર્લ્ડ

નીરવ મોદી કેસના તપાસ અધિકારીની બદલી કરનાર મુંબઇ ઇડીના વડાને હટાવી દેવાયા

સરકારે મુંબઇમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઇડી)ના સ્પેશિયલ ડાયરેકટર વિનીત અગ્રવાલને હટાવી દીધા છે. નીરવ મોદી મની લોન્ડરિંગ તપાસ કેસમાં ઇડીના તપાસ અધિકારીને યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર તેમની બદલી કરવાના કેસમાં વિનીત અગ્રવાલને હટાવાયા છે.

વિનીત અગ્રવાલે ભાગેડુ નીરવ મોદી કેસની તપાસ કરી રહેલા એક અધિકારીની યોગ્ય પ્રક્રિયા વગર બદલી કરીને તેમને રિલિવ કરી દીધા હતા. વિનીત અગ્રવાલનો કાર્યકાળ ત્રણ વર્ષથી ઓછા સમયનો છે અને મહારાષ્ટ્ર કેડરના ૧૯૮૪ની બેચના આઇપીએસ અધિકારીને તાત્કાલિક અસરથી પોતાના પેરન્ટ ડિપાર્ટમેન્ટમાં પરત મોકલી આપવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે કેન્દ્રીય નાણાં મંત્રાલયે કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી મળ્યા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. ઇડીએ વિનીત અગ્રવાલને સ્પેશિયલ ડાયરેકટર પદેથી ફરજ મુકત કરવાનો ઓર્ડર પણ ઇશ્ય્ૂ કરી દીધો છે. મુંબઇમાં ઇડીના સ્પેશિયલ ડાયરેકટર એજન્સીના પશ્ચિમ ઝોનના પ્રમુખ હોય છે અને મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પર તેમનો અંકુશ હોય છે. વિનીત અગ્રવાલનો ચાર્જ હવે ઇડીના ચેન્નઇમાં તહેનાત સ્પેશિયલ ડાયરેકટરને સોંપવામાં આવ્યો છે.

વિનીત અગ્રવાલને પાંચ વર્ષ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટમાં જાન્યુઆરી ર૦૧૭માં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા. તેમનું નામ એ વખતે ચર્ચાસ્પદ બન્યું હતું જ્યારે ર૯ માર્ચે તેમણે જોઇન્ટ ડાયરેકટર સત્યવ્રતકુમારને નીરવ મોદી તપાસ કેસમાંથી રિલિવ કરવાનો આદેશ ઇશ્યૂ કર્યો હતો અને તેને લઇને વિવાદ છેડાયો હતો.

વિનીત અગ્રવાલના આ આદેશને લઇને વિવાદ છેડાતાં થોડાક જ કલાકો બાદ ઇડીના ડાયરેકટર સંજયકુમાર મિશ્રાએ એક નવો ઓર્ડર ઇશ્યૂ કરીને વિનીત અગ્રવાલનો સત્યવ્રતને રિલિવ કરતો ઓર્ડર રદ કર્યો હતો.

આ મહત્ત્વપૂર્ણ મામલામાં આ પ્રકારની કાર્યવાહીને લઇને ઇડીને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડયું હતું. ઇડીએ તેનો રિપોર્ટ નાણાં મંત્રાલય અને વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)ને મોકલ્યો હતો. વિનીત અગ્રવાલ ઇડીના ડાયરેકટરની સત્તાઓ અને સરકારી કાર્યવાહીમાં દખલગીરી કરવા બદલ દોષિત જણાયા હતા.

નીરવ મોદીની સ્કોટલેન્ડ યાર્ડે સેન્ટ્રલ લંડનની એક બેન્ક શાખામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય ઓથોરિટીએ ક્રાઉન પ્રોસિકયુશન સર્વિસ સમક્ષ પ્રથમ સુનાવણી દરમિયાન એવી રજૂઆત કરી હતી કે નીરવ મોદી ર,૦૦૦ ડોલરના મની લોન્ડરિંગ અને ઉચાપતના કેસમાં મોસ્ટ વોન્ટેડ છે.

નીરવ મોદીએ ત્યાર બાદ જામીન મેળવવા માટે કોશિશ કરી હતી. નીરવ મોદીના વકીલોએ પ્રથમ સુનાવણીમાં જામીન માટે પાંચ લાખ પાઉન્ડની ઓફર પણ કરી હતી અને જામીન અંગેની કડક શરતો સ્વીકારવા સંમતિ પણ વ્યકત કરી હતી, પરંતુ ભારતના વકીલોની જોરદાર રજૂઆતના કારણે પ્રોસિકયુશન સર્વિસે નીરવ મોદીના જામીન મંજૂર કર્યા ન હતા.

Related posts

અમેરિકાએ ભારતના શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી…

Charotar Sandesh

કિમે મને સકારાત્મક પત્ર લખ્યો, તે મિસાઈલ પરિક્ષણથી ખુશ નથી : ટ્રમ્પ

Charotar Sandesh

૧૯મી સુધીમાં અમેરિકામાં તમામ પુખ્ત-વયનાંઓ કોરોના-રસીને પાત્ર…

Charotar Sandesh