પુણે,
પુણેમાં ભારે વરસાદને પગલે શુક્રવારે રાત્રે એક રહેણાક સોસાયટીની દિવાલ બાજુમાં જ આવેલા મજૂરોના કાચા મકાનો પર પડતા ૧૫ મોત થયા છે. કોંઢવા વિસ્તારમાં દિવાલ પડતાં ૧૫ મજૂરોના મોત થયા તેમજ સંખ્યાબંધ ઘવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલ ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે. પુણેના કોંઢવામાં તળાવ મસ્જિદ વિસ્તારમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે આ દુર્ઘટના ઘટી હતી.
એક રહેણાક સોસાયટીનું બાંધકામ ચાલી રહ્યું હતું જયાં બાજુમાં જ મજૂરોના કાચા મકાનો આવેલા હતા. સોસાયટીની પાર્કિંગ બાજુએ આવેલો દિવાલનો ભાગ મજૂરોના મકાનની તરફ ધસી પડ્યો હતો. જેને પગલે કાટમાળ નીચે દબાવાથી ૧૫નાં મોત થયા હતા તેમજ અનેકને નાના-મોટી ઈજા પહોંચી હતી. ઘાયલોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે પાર્કિંગ બાજુની દિવાલ ધસી પડી હતી તેમજ ત્યાં પાર્ક કરાયેલી કેટલીક કાર પણ મજૂરોના કાચા મકાનો પર પડી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝડપથી બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું.