Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ જાહેર, મલિંગા કેપ્ટન…

ગુવાહાટી : ભારત અને શ્રીલંકા વચ્ચે ૫ જાન્યુઆરીથી ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, જેની કમાન ફરી એકવાર લસિથ મલિંગાના હાથમાં છે. આ ૧૫ સભ્યોની ટીમમાં એક એવા ખેલાડીની પણ વાપસી થઈ છે, જેણે છેલ્લા દોઢ વર્ષમાં એકપણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે એન્જેલો મેથ્યુઝને આ ટીમમાં જગ્યા આપી છે, જેણે અંતિમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ ઓગસ્ટ, ૨૦૧૮માં રમી હતી. વર્ષ ૨૦૨૦માં બંન્ને ટીમોની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે. એક તરફ ભારતની ટીમ વર્ષ ૨૦૧૯ને જીત સાથે સમાપ્ત કરીને પહોંચી છે, તો શ્રીલંકાએ અંતિમ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં યજમાન ભારતનો પક્ષ વધુ મજબૂત છે. પરંતુ આ ટીમમાં રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે.
આગામી ૧૦ મહિના બાદ ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૦ને ધ્યાનમાં રાખીને શ્રીલંકન ક્રિકેટે આ ટીમની જાહેરાત કરી છે અને મેથ્યુઝને તક આપી છે, જે મિડલ ઓર્ડરને મજબૂતી આપશે. મહત્વનું છે કે શ્રીલંકાની ટીમે હાલમાં ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નંબર-૧ ટીમ પાકિસ્તાનને તેના ઘરમાં ૩-૦થી પરાજય આપ્યો હતો.
ભારત અને શ્રીલંકા વચ્ચે ૫ જાન્યુઆરીથી ૧૦ સુધી આ ૩ મેચોની ટી૨૦ સિરીઝ રમાશે. સિરીઝની પ્રથમ મેચ ૫ જાન્યુઆરીએ ગુવાહાટીમાં, બીજી મેચ ૭ જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. તો અંતિમ મેચ પુણેમાં ૧૦ જાન્યુઆરીએ રમાશે.
ભારતના પ્રવાસ માટે શ્રીલંકાની ટીમ :લસિથ મલિંગા (કેપ્ટન), કુસલ પરેરા, દનુશકા ગુણાતિલકા, અવિષ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષે, ઓશાના ફર્નાન્ડો, દસુન શનાકા, એન્જેલો મેથ્યુઝ, નિરોશન ડિકવેલા, કુસલ મેન્ડિસ, વનિંડુ હસરંગા, લક્ષણ સંદાકન, ધનંજય ડિસિલ્વા, લાહિરુ કુમારા અને ઇસારુ ઉડાના.

Related posts

૧૦ લાખ રૂપિયા માટે હું આવું શું કામ કરું : શ્રીસંત

Charotar Sandesh

આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપ સ્થગિત રાખવાનો નિર્ણય નથી લીધોઃ આઇસીસી

Charotar Sandesh

ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન ધોનીએ આઇપીએલ ૨૦૨૧ માટે નવી જર્સી કરી લોન્ચ…

Charotar Sandesh