Charotar Sandesh
ઈન્ડિયા

ભારત મંદીના ખપ્પરમાં, તેવા સમયે શ્રીલંકાને ૨૮૦૦ કરોડની જંગી સહાય…!

ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો…

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે, મોદી-રાજપક્ષે વચ્ચે દ્ધિપક્ષીય મંત્રણા યોજાઇ જેમાં આતંકવાદ સહિત વિવિધ મુદ્દે ચર્ચા થઇ…

ન્યુ દિલ્હી : ભારતની મુલાકાતે આવેલા પડોશી દેશ શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આજે હૈદરાબાદ હાઉસમાં દ્ધિપક્ષીય ઉચ્ચસ્તરીય મંત્રણા યોજ્યા બાદ ભારત સરકાર તરફથી શ્રીલંકાને ૪૦૦ મિલિયન ડૉલર એટલે કે રૂ.૨૮૬૫ કરોડની જંગી આર્થિક મદદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને એવી ટિપ્પણી થઇ રહી છે કે ભારતમાં એક તરફ આર્થિક મંદીનું વાતાવરણ છે,નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ એમ કહ્યું છે કે ભારતનો વિકાસદર હાલમાં ધીમો છે. ઘર આંગણે રોજગારીને લઇને વિપક્ષો દ્વારા મોદી સરકાર પર ભારે તડાપીટ મચાવવામાં આવી રહી છે તેવા સમયે કેન્દ્ર સરકારે ટચુકડા એવા શ્રીલંકાને આટલી જંગી મદદ શા માટે કરી એવા સવાલો પણ દિલ્હીના રાજકીય ક્ષેત્રે ચર્ચાઇ રહ્યા છે. જોકે,સરકારે એવો બચાવ કર્યો કે આંતરરાષ્ટ્રીય ધોરણ અનુસાર આ પ્રકારની આર્થિક મદદ એક સામાન્ય બાબત કહી શકાય.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક કરી. વડાપ્રધાન મોદીએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, શ્રીલંકાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ૨૮૬૫ કરોડ રૂપિયા(૪૦૦ મિલીયન ડોલર)ની લોનની સુવિધા (લાઈન ઓફ ક્રેડિટ) આપવામાં આવશે. ૭૧૬ કરોડ રૂપિયા(૧૦૦ મિલીયન ડોલર) સોલર પરિયોજના પર ખર્ચ કરવા માટે આપવામાં આવશે.

મોદીએ કહ્યું કે, ભારતીય આવાસ પરિયોજના હેઠળ શ્રીલંકામાં પહેલાથી જ ૬૪ હજાર ઘરોનું નિર્માણ કરાઈ ચૂક્યું છે. તમિલ મૂળના લોકો માટે ૧૪ હજાર ઘરોનું નિર્માણ ચાલી રહ્યું છે. શ્રીલંકા સાથે સંબંધ મજબૂત કરાવવા માટે અમે અમારા વિચાર રજુ કર્યા. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ મને કહ્યું કે, તેમનો રાજકીય દ્રષ્ટિકોણ વિવિધ સમુદાય વચ્ચે સુમેળ જાળવવાનો છે. મને આશા છે કે શ્રીલંકાની સરકાર તમિલોની સમાનતા, ન્યાય અને સન્માનની દિશામાં કામ કરશે.
તેમણે કહ્યું કે, તમને (ગોતબાયા રાજપક્ષે)શ્રીલંકાની જનતાની બહુમતી મળી છે. એ દર્શાવે છે કે તેઓ મજબૂત શ્રીલંકા જોવા માંગે છે. આ ભારતના હિતમાં જ નહીં પણ આખા હિન્દ મહાસાગર ક્ષેત્રના માટે મહત્વનું છે. મોદીએ કહ્યું‘ભારત અને શ્રીલંકાએ એક મજબૂત સંબંધ બનાવ્યો છે. ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’હેઠળ શ્રીલંકાને આપણે આપણા સંબંધોમાં પ્રાથમિકતા પર રાખ્યું. ભારત હંમેશા આતંકવાદ વિરુદ્ધ લડતો રહ્યો છે. આપણે શ્રીલંકાને આતંકવાદ સામે મુકાબલો કરવા માટે ૩૫૮ કરોડ રૂપિયા(૫૦ મિલીયન ડોલર)ની મદદ કરીશું’

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેએ કહ્યું કે, ‘ભારતે શ્રીલંકા દ્વારા બોટ રાખવાનો મુદ્દો ઉઠાવ્યો. અમે અમારી કસ્ટડીમાં રાખેલી બોટને ઝડપથી છોડવાનું કામ કરીશું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન મોદીના આમંત્રણ પર શ્રીલંકાના રાષ્ટ્રપતિની મુલાકાત, આનાથી બંન્ને દેશોના સંબંધોને વેગ મળશે. ગૌતબાયાના કાર્યભાર સંભાળ્યા બાદ ગત સપ્તાહે વિદેશ મંત્રી એસ જયશંકર તેમને મળનારા પહેલા વિદેશી નેતા હતા. આ મહિનામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગૌતબાયાએ જીત હાંસિલ કરી હતી. તેમણે ૧૮ સપ્ટેમ્બરે શપથ ગ્રહણ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમને જીતની શુભેચ્છા પાઠવી હતી અને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારત-શ્રીલંકાની વચ્ચે માછીમારોનો મુદ્દો ઘણો જૂનો છે. ઘણીવાર માછીમારો રસ્તો ભટકી જાય છે અને દરિયાઈ સીમા પાર કરી દે છે જેના કારણે ઘણી મુશ્કેલી થાય છે.

Related posts

મહારાષ્ટ્ર, પંજાબ સહિત કેટલાક રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ, સ્કૂલ-કોલેજ બંધ

Charotar Sandesh

ગાઝામાં ફરી બોમ્બમારો, ઈઝરાયલી ફાઈટર વિમાનોએ ૧૦ મિનિટ સુધી કર્યો હુમલો…

Charotar Sandesh

રાફેલ મામલે મોદી સરકારને ક્લિનચીટ : તપાસ નહિ થાય…

Charotar Sandesh