ગાંધીનગર,
રાજ્યભરમાં હાલ ચોમાસાની મોસમ પૂરબહારમાં છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ પ્રાંત એવા હશે જ્યાં વરસાદ વરસ્યો ન હોય. તેમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેરબાન છે. વડોદરામાં તો પૂરની સ્થિતિ પણ ઉભી થઈ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૩ ઓગસ્ટ સુધી સરેરાશ ૫૨ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૪૨ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૪ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૭ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા છે. તેમજ રાજ્યના ૧૫ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૭.૦૮ ટકા ભરાયું છે. આ માહિતી રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા મળી છે.
વરસાદને કારણે રાજ્યના ડેમમાં પણ વરસાદની સારી એવી આવક થઈ છે. રાજ્યમાં હાલમાં ૧૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોની માહિતી પણ સામે આવી છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૭૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૨૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૫.૮૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૮૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૮.૯૫ એમ રાજયના કુલ ૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૧.૫૭ ટકા છે. એટલે કે ૧,૭૫,૭૬૯.૮૨ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે તેમ જળ સંપત્તિ વિભાગ દ્વારા આપવામાં આવી છે.