Charotar Sandesh
ગુજરાત

રૂપાણી-પટેલની દિલ્હી ટ્રાન્સફર, માંડવિયાની ગુજરાતમાં એન્ટ્રી..!??

ઉત્તરાયણ બાદ મોદી કેબિનેટનું વિસ્તરણ સંભવ, સીધી અસર ગુજરાત પર…

એક કાંકરે બે પક્ષી મારશે મોદી-શાહ, કેન્દ્રીય મંત્રી પાટીદાર મનસુખ માંડવિયાને ગુજરાતના નાથ બનાવાય તેવી શક્યતા, રાજ્યની રાજનીતિમાં તોળાતા મોટા ફેરફારો, સીએમ અને ડેપ્યુટી સીએમના ૨૦-૨૦ મેચના સામસામે નિવેદનોથી નેતાગીરી નારાજ…

ગાંધીનગર : મોદી સરકારના કેન્દ્રીય મંત્રીમંડળમાં મકરસંક્રાંતિ બાદ ફેરફારો અને કેટલાકને પડતા મૂકવાની શક્યતાના અહેવાલના પગલે ગુજરાતના રાજકારણમાં એવી જોરદાર અટકળો શરૂ થઇ છે કે ૨૦-૨૦ મેચ રમવાના મામલે હવે જાહેરમાં આમને-સામને આવી ગયેલા સીએમ વિજય રૂપાણી અને નાયબ સીએમ નીતિન પટેલ ગુજરાતમાં સરકાર અનને ભાજપ સંગઠનને વધુ નુકશાન પહોંચાડે તે પહેલા આ બન્નેને કેન્દ્રીય મંડળમાં જવાબદારી સોંપીને ગુજરાતની બાગડોર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને સોપવામાં આવે તો નવાઇ નહીં.

માંડવિયા પાટીદાર સમાજના હોવાથી ભાજપથી નારાજ ચાલી રહેલ સમસ્ત પાટીદાર સમાજની નારાજગી દૂર થવાની સાથે સાથે ભાજપની નેતાગીરીથી નાખુશ એવા નીતિન પટેલ પણ પોતાના પાટીદાર સસમાજમાંથી જ સીએમ મૂકવાથી કોઇ ચૂં કે ચા નહીં કરી શકે અને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવીને ગુજરાતમાં ખાસ કરીને સરકારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ સુધી શાંતિ જળવાય એવી પણ એક રાજકીય ગણતરી કેન્દ્રીય મંત્રીમંડળના સંભવિત વિસ્તરણના પગલે મૂકવામાં આવી રહી છે. નોંધનીય છે કે આંતરિક નારાજગીને કારણે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પીએમ મોદીના નામે માંડ માંડ ૯૯ બેઠકો સાથે જીત્યુ હતું.

રાજકિય સૂત્રોએ, કમૂરતા ઉતર્યા બાદ ઉતરાયણ પછી કેન્દ્રીય મંત્રીમંડળના સંભવિત વિસ્તરણના અહેવાલના પગલે એવા નિર્દેશો આપ્યા છે કે રૂપાણી સરકારમાં બધુ ઠીકઠાક નથી. ખાસ કરીને વિધાનસભાની ૬ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે ૩ બેઠકો ગુમાવતા અને કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર અને ધલવસિંહ ઝાલાને પાર્ટી સંગઠન નહીં જીતાડી શકતા કોંગ્રેસને તેનાથી મળેલા રાજકીય લાભથી ભાજપનું નેતૃત્વ ગુજરાત નેતાઓથી નારાજ ચાલી રહ્યાં છે. ઠાકોર અને ઝાલાના સખ્ત પરાજયથી કોંગ્રેસમાંથી હવે કોઇ ધારાસભ્ય ભાજપમાં આવવા તૈયાર નથી એમ ભાજપમાં કેટલાક માની રહ્યાં છે.

સૂત્રોએ વધુમાં કહ્યું કે સીએમ રૂપાણીએ તાજેતરમાં અમદાવાદમાં બિલ્ડર લોબીના સંગઠનના એક કાર્યક્રમમાં “મારા નામે એક ઇંચ પણ જમીન નથી, હું આખી સિરીઝ ૨૦-૨૦ મેચ રમવા આવ્યો છું અને અડધી પીચે રમી રહ્યો છું….” એવા તેમના નિવેદનની સામે જાણે કે તેમને જવાબ આપતા હોય તેમ નારાજ નીતિન પટેલે ચૌધરી સમાજના એક જાહેર કાર્યક્રમાં વળી એમ કહ્યું કે “તેઓ ટૂંકા ગાળાની ૨૦-૨૦ રમવા માટે રાજકારણમાં આવ્યા નથી, પણ ૧૯૭૩-૭૪ના નવનિર્માણ આંદોલનથી સમાજની સેવા કરવા આવ્યા છે, પ્રજાની સેવા મારો શોખનો વિષય રહ્યો છે…” એમ કહીને એક જ સરકારમાં બે મોટા માથા વચ્ચે સંકલન કે મનમેળ નથી એવો ખોટો મેસેજ પણ પ્રજામાં ગયો છે.

સૂત્રોએ કહ્યું કે માંડવિયાને ગુજરાતના નાથ બનાવવાની કવાયત કેન્દ્રીય કક્ષાએ આંતરિક રીતે છેલ્લાં કેટલાક સમયથી ચાલી રહી છે. તેઓ પાટીદાર હોવાથી નીતિન પટેલને સીએમ બનાવવાની પાટીદાર સમાજની એક જૂથની માંગણી આપમેળે સંતોષાઇ જશે. ઉપરાંત, સૌરાષ્ટ્રના એવા માંડવિયાની રાજકિય અને સાર્વજનિક જીવનની સ્લેટ કોરી છે. તેમની સામે કોઇ આરોપો કે આક્ષેપો નથી. તેઓ સીએમ બને તો અન્ય કોઇને નાયબ સીએમ બનાવવાની પણ જરૂર નહીં પડે. કેમ કે સરકારમાં નાયબ સીએમની પોસ્ટ નીતિન પટેલની લાગણીને સંતોષવા માટે જ ઉભી કરવામાં આવી છે. આ અગાઉ ૧૯૯૫ કે ૧૯૯૮માં નાયબ સીએમની પોસ્ટ નહોતી. ભાજપ તેથી તેમને દિલ્હીથી ગુજરાત મોકલીને સામ-સામે લડતા રૂપાણી અને નીતિન પટેલને કેન્દ્રીય મંત્રીમંડળમાં સમાવીને સીધા વડાપ્રધાન મોદીની નિગરામી હેઠળ આવી જાય.

જો કે સૂત્રોએ કહ્યું કે ૨૦-૨૦ મેચ રમવાના નિવેદનોને લઇને પ્રજામાં ભાજપ સરકારની છાપને બટ્ટો લાગી રહ્યો છે. બન્ને મોટા માથાં અલગ અલગ પક્ષોમાં હોય તેમ એકબીજાની વાતનો છેદ ઉડાડતા સામસામે નિવેદનો આપીને પ્રજામાં હાંસીને પાત્ર પણ બની રહ્યાં હોવાનું સૂત્રો માની રહ્યાં છે.

Related posts

મૂળ ગુજરાતના પટેલ પરિવારની કારનો યુએસમાં અકસ્માત, ૨ દીકરાએ દમ તોડ્યો…

Charotar Sandesh

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ : પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ આપનો પ્રચાર કરશે

Charotar Sandesh

ગુજરાતમાં ફરી વરસાદ આવી શકે છે : હવામાન વિભાગે કરી આ આગાહી

Charotar Sandesh