Charotar Sandesh
ઈન્ડિયા

વિધાનસભા ચૂંટણી પ્રચાર : કોંગ્રેસની ખોટી નીતિઓથી દેશ બરબાદ થયો : વડાપ્રધાન મોદી

હરિયાણામાં પ્રચારના અંતિમ દિવસે વિપક્ષ પર વરસ્યા વડાપ્રધાન…

સિરસા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હરિયાણાના એલાનાબાદ ખાતે વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે જાહેરસભાને સંબોધતા વિપક્ષ પર તીખા વાક્બાણ છોડ્યા હતા. પીએમ મોદીએ આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસની ખોટી નીતિઓને કારણે જ દેશ બરબાદ થયો છે તેમજ જમ્મુ અને કાશ્મીર સાથે અન્યાય થઈ રહ્યો હતો. કોંગ્રેસના કારણે ભારતનો એક ભાગ પાકિસ્તાન પાસે છે. અને આજે તેને પીઓકેના નામે ઓળખવામાં આવે છે. કોંગ્રેસની સરકારના કારણે જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં હમેશા સુધારો થયો નહોતો. કોંગ્રેસે આઝાદી બાદ પાકિસ્તાનને મદદ કરી એટલે પીઓકે પાકિસ્તાન પાસે છે.
વડાપ્રધાન મોદીએ જાહેરસભામાં પોતાનો અસલી આક્રમક મિજાજ દેખાડ્યો હતો. તેમણે હાજર જનમેદનીને જણાવ્યું કે તેમની સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ને હટાવવાની હિંમત કરી હતી. કોંગ્રેસની સરકારે ૭૦ વર્ષ સુધી જે કામ ના કર્યું તે તેમની સરકારે કરી બતાવ્યું. આ કલમ અસ્થાયી હતી જેને કોંગ્રેસે હટાવવા કોઈ જ કાર્યવાહી કરી નહીં. પીએમે ઉપસ્થિત મેદનીને કહ્યું કે, જ્યારે તમે મને પાંચ વર્ષ માટે કાયમી બનાવી દીધો છે, તો હું શા માટે અસ્થાયી કલમ અમલમાં રાખું.
કાશ્મીરનો વિનાશ કરવામાં આવી રહ્યો હતો ત્યારે કોંગ્રેસ આંખ બંધ કરીને બેસી ગઈ હતી. કોંગ્રેસના કારણે કાશ્મીરમાં ૭૦ વર્ષ સુધી બાબા સાહેબ આંબેડકરનું બંધારણ લાગૂ કરવામાં આવ્યુ નહોતુ.
પીએમે વધુમાં ઉમેર્યું કે ચાર લાખથી વધુ કાશ્મીરી પંડિતોને તેમનું ઘર છોડીને જવાની ફરજ પાડવામાં આવી હતી. દરમિયાન કરતારપુર કોરિડોર મુદ્દે પણ તેમણે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું કે આટલા વર્ષોથી કરતાપુર સાહિબ ગુરુદ્વારાના દર્શન માટે લોકોને દૂરબિનનો ઉપયોગ કરવો પડતો હતો જ્યારે હવે દર્શન માટે કરતાપુર કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે અને લોકો ત્યાં પહોંચી શકશે. ભાગલા વખતે કરતારપુર સાહિબ ગુરુદ્વારાને ભારતીય હદમાં નહીં લાવવાની વિપક્ષે ભારે ભૂલ કરી હતી.
નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને આકરો સંદેશ આપ્યો હતો. ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, ભારતના ભાગનું એક ટીપુ પણ પાણી પાકિસ્તાનમાં જવા દેવામાં નહીં આવે. હરિયાણાનો ખેડૂત પાણી માટે તડપે છે. અહીંના ખેતરો સુકા પડી રહે છે અને પાકિસ્તાનના ખેતરોમાં હરિયાળી છવાય એ કેવી રીતે બને. તેમણે હુંકાર ભરતા કહ્યું હતું કે, હું ભારતના ભાગનું પાણી પાકિસ્તાનમાં કોઈ પણ ભોગે નહીં જવા દઉં.
તેમણે કહ્યું હતું કે, ભારતના ભાગનું એક ટીપુ પાણી પણ પાકિસ્તાનમાં વહી જવા દેવામાં આવશે નહીં. આ ભારતના ખેડૂતોના ભાગનું પાણી છ્‌હે અને તેનો ઉપયોગ દેશના લોકોની જરૂરિયાતો પુરી કરવા માટે કરવામાં આવશે. પીએમ મોદીએ ઈશારામાં જ કોંગ્રેસ અને સ્થાનિક પાર્ટીઓ પર નિશાન તાકતા કહ્યું હતું કે, અગાઉની સરકારોના કાર્યકાળમાં ભારતના ભાગનું પાણી પાકિસ્તાનમાં જતુ હતું અને તે સમયની સરકારોએ આ પાણી રોકવા માટે કોઈ જ પ્રયાસ ના કર્યા. ત્યાં સુધી કે બંધ બાંધવાની દિશામાં વિચાર્યું પણ નહીં.
કોંગ્રેસે તો હરિયાણાને પોતાનું ચારાનું મોકળું મેદાન સમજી લીધું છે. તેમણે રોબર્ટ વાડ્રા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના જમાઈને જ્યારે જમીન જોઈએ ત્યારે તે હરિયાણા આવે છે.

Related posts

ભારતીય ટીમના કોચ માટે ગાંગુલીએ આ પૂર્વ ખેલાડીને દાવેદાર ગણાવ્યો

Charotar Sandesh

કોરોના વૅક્સીન : જાન્યુઆરીથી ભારતમાં શરૂ થશે વૅક્સીનેશન…

Charotar Sandesh

અમે પાડોશના આતંકને પાઠ ભણાવ્યો અને ભણાવતા રહીશું : મોદી

Charotar Sandesh