Charotar Sandesh
ઈન્ડિયા

વિવાદાસ્પદ નાગરિક સુધારા બિલને મોદી કેબિનેટની મંજૂરી…

પાકિસ્તાન-અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમ નાગરિકોને રાહત મળશે…

ન્યુ દિલ્હી : કેન્દ્રની ભાજપ સરકારે, પોતાના ચૂંટણી વચનના પાલન માટે સંસદમાં નાગરિક સુધારા બિલને ફરીથી રજૂ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે અત્રે મળેલી કેબિનેટ બેઠકમાં નાગરિકત્વ સુધારા બિલ-૨૦૧૯ને મંજૂરી આપી હતી. જે સંસદના વર્તમાન સત્રમાં જ રજૂ કરાશે. આ બિલમાં મુસ્લિમ રાષ્ટ્ર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં યાતના સહન કરનારા બિન-મુસ્લિમ એવા હિંદુઓ, શીખ, બૌદ્ધ, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓને ભારતીય રાષ્ટ્રીયતા આપવા માટે નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ માં સુધારો કરવાની જોગવાઇ છે. ભલે તેઓની પાસે ભારત આવવા માટેના મુસાફરીના દસ્તાવેજો પૂરતાં અને યોગ્ય ન હોય તો પણ મોદી સરકાર તેમને ભારતના કાયમી નાગરિક બનાવવા માંગે છે. આ બિલને મુદ્દે સંસદમાં મુસ્લિમો સાથે ભેદભાવનો દાવો કરીને ભારે ઉહાપોહ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને પૂર્વોત્તરના રાજ્યોમાં આ બિલની સામે વિરોધ છે. કલમ ૩૭૦ બાદ આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો મચી શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમોને ભારતનું નાગરિકત્વ આપવાના વિવાદાસ્પદ ખરડા(બિલ)ને બુધવારે કેબિનેટની મંજૂરી મળી છે, જેમાં ચાલુ શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં તેની રજૂઆત માટેનો તબક્કો ગોઠવવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય પ્રધાનમંડળે બિલને મંજૂરી આપી દીધી હતી, જે શાસક ભાજપના ૨૦૧૯ ના ચૂંટણી ઢંઢેરાનો એક ભાગ હતો. જેમાં જણાવાયું હતું કે તે “દમનથી પિડાતા પડોશી દેશોના ધાર્મિક લઘુમતી સમુદાયોના વ્યક્તિઓનાં રક્ષણ” માટે કાયદા બનાવવા માટે તેમની સરકાર નિર્ણય કરશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકર દ્વારા તેની માહિતી આપવામાં આવી હતી. તેમણે ખાતરી આપી કે આ બિલ સામે ઉત્તર-પૂર્વી રાજ્યોના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શિત થવા છતાં પણ, તેમની સરકાર “તમામ હિતો, ભારતના હિતો” નું ધ્યાન રાખવા તત્પર છે. જાવડેકરે બિલની વિગતો આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે સંસદ સમક્ષ “આવતી કાલે અથવા બીજા દિવસે” તે રજૂ થશે ત્યારે સૌ કોઇ તે જાણી શકાશે.
તેમણે આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે “જ્યારે બિલની વિગતો બહાર આવશે ત્યારે મને ખાતરી છે કે બધાં તેનું સ્વાગત કરશે. કેમ કે તે કુદરતના હિતમાં છે, તે રાષ્ટ્રના હિતમાં છે. તે કોઈની વિરુદ્ધ નથી.” તેઓ વિપક્ષની એ માંગ પરના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા કે જેમાં એવું કહેવામાં આવ્યું કે ધર્મના આધારે નાગરિકત્વ આપવાની હિલચાલ અયોગ્ય છે.
તેના અગાઉના અવતાર સમાન નાગરિકત્વ (સુધારા) બિલ ૨૦૧૬ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ ઉત્તર-પૂર્વી રાજ્યોમાં વ્યાપક વિરોધને પગલે રાજ્યસભામાં પાસ થઇ શક્યું નહોતું.
અગાઉ, ઉત્તર-પૂર્વી રાજ્યોની ચિંતાઓને સંબોધતાં શાહે આ પ્રદેશના પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે આ ખરડામાં ઇનર લાઇન પરમિટ (આઈએલપી) શાસન દ્વારા સુરક્ષિત ક્ષેત્રોને બાકાત રાખવામાં આવશે. આ વિસ્તારોમાં અરૂણાચલપ્રદેશ, મિઝોરામ અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. આ રાજ્યોને એવી બીક છે કે જો બિલ પાસ થશે તો તેમના રાજ્યોમાં બહારનાને આવીને વસવાની મંજૂરી મળશે અને તેમના પરંપરાગત વારસા, સાંસ્કૃતિક રીત રિવાજો અને તેમના અસ્તિસ્વ પર જોખમ આવશે.
બિલના બચાવમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ગઇકાલે ભાજપની એક બેઠકમાં કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આવશ્યકપણે ઇસ્લામિક રાષ્ટ્રો છે અને ત્યાં રહેતા બિન-મુસ્લિમો પર ધાર્મિક અત્યાચારો ગુજારવામાં આવે છે. તેથી એવા લોકોને ભારતનું નાગરિકત્વ મળતાં તેમના પર થતાં ધાર્મિક દમનનો અંત આવશે.

Related posts

ભારતીય કોવિશિલ્ડ વેક્સિન લેનાર વ્યક્તિને આ દેશમાં એન્ટ્રી નહિ મળે…

Charotar Sandesh

અનલૉક-૩ની તૈયારીઓ : થિયેટર ખૂલવાની સંભાવના, મેટ્રો-સ્કૂલ પર પ્રતિબંધ રહેશે…

Charotar Sandesh

‘સત્તે પે સત્તા’ની રિમેકમાં શાહરૂખ-કેટરીના નહિ ચમકે

Charotar Sandesh