Charotar Sandesh
ગુજરાત

સંવેદનશીલ સરકારમાં ૩૩૦ બાળકોના મોત : ભાજપ સ્તબ્ધ, મુખ્યમંત્રી રૂપાણી મૌન…

ડિસેમ્બરમાં અમદાવાદમાં ૮૫, રાજકોટમાં ૧૧૧, સુરતમાં ૬૬, જામનગરમાં ૬૮ બાળકોના મોત…

ગાંધીનગર : રાજસ્થાનની કોટા હોસ્પીટલમાં બાળકોના મોત અંગે કોંગ્રેસ સરકારની સામે ભાજપ આક્રમક થઈને આડે હાથે લઇ રહ્યું છે ત્યારે જ ગુજરાતમાં ભાજપ સરકારમાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને શહેર રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ નવજાત બાળકોના મોત થયાનું બહાર આવતા ભાજપા હવે રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગયું છે અને હદ તો ત્યાં થઇ કે સીએમ રૂપાનીને તેમના શહેરમાં જ સૌથી વધુ બાળકોના મોત અંગે આજે મીડિયા દ્વારા સવાલ કરાતા સંવેદનશીલ સરકારના સીએમ કોઈ જવાબ આપવાને બદલે ચાલતી પકડતા તેના ઘેરા પ્રત્યાઘાત પડી શકે તેમ છે. પહેલાં સવાલોથી મોઢું ફેરવ્યા બાદ તપાસના આદેશ આપી દીધા છે. અને પ્રતિક્રિયા આપતા કહ્યું કે- સરકારે આ મુદ્દો ગંભીરતાથી લીધો છે. તમામ આંકડા અને વિગતો મેળવી રહ્યા છીએ. કોની કચાસ છે તે મુદ્દે તપાસ કરી રહ્યા છીએ.

ડીસેમ્બર એકલા મહિનામાં જ ગુજરાતની ચાર મુખ્ય સરકારી હોસ્પિટલ માં અધધ ૩૩૦ બાળકો એટલે કે રોજ ના ૧૦ બાળકોનો ભોગ લેવાયો હતો. સૌથી વધુ માસુમ બાળકો પોતાની સરકારને અતિ નિર્ણાયક અને સંવેદનશીલ ગણાવીને જશ ખાટતા મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટ શહેરની સરકારી હોસ્પીટલમાં ૧૩૪ બાળકોના મોત થયા છે. આ આંકડા છુપાવી રાખવામાં આવ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સીએમના શહેરની સરકારી હોસ્પીટલમાં છેલ્લાં ૧ વર્ષમાં ૧૨૩૫ બાળકોના મોત થયા છે.

રાજસ્થાન માં કોંગ્રેસ ની સરકાર છે. રાજસ્થાનના કોટા શહેરની સરકારી હોસ્પીટલમાં એક મહિનામાં ૧૦૫ બાળકોના મોત થયાની વિગતો બહાર આવતા હોબાળો મચ્યો હતો. અને ભાજપ અને બસપા ના માયાવતીએ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ને નિશાન બનાવીને રાજકીય પ્રહારો કરીને જવાબ માંગ્યો હતો. જો કે ભાજપ રાજસથાનની કોંગ્રેસ સરકારને વધુ સમય નિશાને લઇ શકે તે પહેલા જ્યાં ૨૪ વર્ષથી ભાજપ સત્તામાં છે તે ગુજરાત ની ચાર મુખ્ય શહેરોની સરકારી હોસ્પિટલ માં ડીસેમ્બર મહિનામાં ૩૩૦ બાળકો અને જે શહેરમાં સીએમ પોતે રહે છે અને અવારનવાર રાજકોટ શહેરની અને હોસ્પીટલની મુલાકાત લેતા હોય છે તે હોસ્પીટલમાં કોટાની હોસ્પિટલ કરતા વધુ બાળકોનાં એક જ મહિનામાં મોત થયાના આંકડા બહાર આવતા ભાજપને બેકફૂટ પર આવી જવું પડ્યું છે. ત્યારે વાત કરીએ તો અમદાવાદમાં ડિસેમ્બર માસમાં ૮૫,રાજકોટમાં ૧૧૧, સુરતમાં ૬૬ અને જામનગરમાં ૬૮ નવજાત શિશુઓના મોત નિપજ્યા હતા.
અમદાવાદ સિવિલમાં ઓક્ટોબરમાં ૯૪, નવેમ્બરમાં ૭૪ અને ડિસેમ્બરમાં ૮૫ બાળકોના મોત નિપજ્યા છે. અમદાવાદ સિવિલમાં બાળકોના મોતનો મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ગુણવંત રાઠોડે કહ્યું કે સિવિલમાં મહિને ૪૫૦થી ૫૦૦ જેટલા બાળકો દાખલ થાય છે. પહેલા ૨૦ ટકા જેટલો મૃત્યુદર હતો હવે મૃત્યુદર ૧૮ ટકા કરતા ઓછો થયો છે. સિવિલમાં દર મહિને ૮૦થી ૯૦ શિશુઓના મોત થાય છે. જેમાં પ્રિમેચ્યોર ડિલિવરી, ઓછું વજન પણ મૃત્યુનું કારણ હોય છે. માતાઓના કુપોષણના કારણે બાળકોને પણ તકલીફ પડે છે.

વર્ષ દરમિયાન સુરત સિવિલમાં ૬૯૯ શિશુના મોત થયા છે. સુરત સિવિલમાં દર મહિને સરેરાશ ૫૯ બાળકો મોત થાય છે. સુરત સિવિલમાં વલસાડ, ભરૂચ અને મહારાષ્ટ્‌થી દર્દીઓ આવે છે. છેલ્લા ૪ વર્ષમાં સુરત સિવિલમાં ૨૯૬૫ બાળકોના મોત થયા છે.
સુત્રોએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત કૂપોષણથી પીડાય છે તે સરકાર જાણે છે છતાં કૂપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા કોઈ નક્કર કામગીરી કેમ નથી થઇ તેનો જવાબ ખુદ સરકાર જ જાણે છે. મોદી સીએમ હતા ત્યારે સગર્ભાવસ્થા દરમિયાન માતાને સુખડી આપવાની યોજના અમલમાં મૂકી હતી. એ યોજના હજુ અમલમાં છે કે કેમ તે પણ સરકારે તંત્રને પૂછવું જોઈએ. ગામડામાં ડેરીમાં ભરાતા દૂધ માંથી ગામના બાળકોને વિનામૂલ્યે દૂધ આપવા ભગવાનના ભાગ તરીકે થોડુક દૂધ કાઢી લેવાની જાહેરાત ભાજપ સરકારે જે તે વખતે કરી હતી. ભગવાનના ભાગનો એ દૂધ બાળકોના મોઢા સુધી પહોંચ્યો કે કેમ તેનો જવાબ સરકાર જ આપી શકે તેમ છે. કેમ કે સરકારી હોસ્પિટલમાં જે બાળકો મોત પામ્યા તે મોટા ભાગે ગરીબ પરિવારના હોવાનું અને કૂપોષિત હોવાનું સમજાય છે.
સુખડી યોજનાનો લાભ નિયમિત મળ્યો હોય તો સગર્ભા માતાએ તંદુરસ્ત બાળક્ન જન્મ આપ્યો હોય. અને તે બાળક કૂપોષણથી દૂર હોત. પરંતુ સુખડી યોજનની સુખડી સગર્ભા સુધી પહોંચે તે પહેલા વચેટીયાઓ આરોગી ગયા…? એવો સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે. ૨૪ વર્ષથી એક જ પક્ષની સ્થિર સરકાર છતાં નવજાત બાળકોને સારવારના અભાવે અથવા કુપોષણથી પીડાઈને કે પછી ડોકટરોનાં અભાવે કે સારવારના માર્યા ગયા તે સવાલોના જવાબો આપવાને બદલે અડધી પીચ પર રમવાની ૫૬ ની છાતી વાળા ધુઆંધાર રાજકીય બેટિંગ કરવાનો દાવો કરનાર સંવેદનશીલ સરકાર ના બેટ્‌સમેન મુખ્યમંત્રી રૂપાણી પીચ છોડીને ભાગી ગયાની લાગણી જે રીતે તેમણે જવાબો આપવાનું ટાળ્યું તેના પરથી એમ સમજાય છે કે તેઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કે જેઓ આરોગ્ય મંત્રી પણ છે તેથી તેમના વિભાગની આલોચના કરવાની હિમત કરી ન શક્યા એમ પણ સુત્રોનું માનવું છે.

સુત્રોએ વધુમાં કહ્યું કે આખા ગુજરાતમાં મારા નામે એક ઇંચ પણ જમીન નથી એવી જાહેરાત જાહેર મંચ પરથી ગાજી ગાજીને કરનાર મુખ્યમંત્રી પોતાના શાસનમાં સરકારી હોસ્પિટલમાં માર્યા ગયેલા માસુમ બાળકોની વિગતો આપવાને બદલે ચાલતી પકડે તે અજુગતું માનવામાં આવી રહ્યું છે.

Related posts

ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત : જીતુ વાઘાણીની બાદબાકી…

Charotar Sandesh

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચારના કર્યા શ્રીગણેશ…

Charotar Sandesh

ગુજરાતમાં આ ગામના બાળકોએ કેમિકલવાળા પાણીમાંથી પસાર થઇ ભણવા જવું પડે છે

Charotar Sandesh