Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

વિપક્ષ આંકડાની ચિંતા છોડી લોકોના મુદ્દા ઉઠાવે : વડાપ્રધાન મોદી

  • લોકસભા સત્ર : પ્રોટેમ સ્પીકરે વડાપ્રધાન મોદી, રાજનાથ, શાહ સહિત સાંસદોને શપથ લેવડાવ્યા
  • નવા સત્રમાં પક્ષ-વિપક્ષની વિચારસરણીને બાજુ પર મુકીને દરેક સાંસદ નિષ્પક્ષ ફરજ બજાવે,જનતાએ પહેલાથી વધુ મોટા જનાદેશની સાથે સેવાનો અવસર આપ્યો : વડાપ્રધાન

ન્યુ દિલ્હી,
૧૭મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ થઈ ગયો છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં ભાજપના સાંસદ વીરેન્દ્રકુમારે આજે સવારે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ લેવડાવ્યા હતા.

વીરેન્દ્રકુમારે વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સહિત નવા ચૂંટાયેલા સભ્યોને સાંસદ તરીકે શપથ લેવડાવાવ્યાં હતા. બે દિવસમાં તમામ પ૪ર સાંસદોને શપથ લેવડાવવામાં આવશે. આજરોજ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઇરાની, ડો. જીતેન્દ્રસિંહ સહિત સાંસદોએ સાંસદ તરીકે શપથ લીધા.

પીએમ મોદીએ કહ્યું કે આશા કરુ છું કે સર્વદળ સાથે આવે, લોકતંત્રમાં વિપક્ષનું સક્રિય હોવુ જરૂરી છે. સંસદ સત્ર શરૂ થાય તે પહેલા નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યું કે, વિપક્ષ આંકડાની ચિંતા છોડે અને લોકોના મુદ્દા ઉઠાવે. અમારા માટે તેમની ભાવનાઓ કિંમતી છે. સંસદમાં અમે પક્ષ વિપક્ષને છોડીને નિષ્પક્ષ કામ કરીશું. આશા છે કે આ સત્રમાં વધુમાં વધુ કામ થાય. તમામ પક્ષ સાથે આવે તે પણ જરૂરી છે. લોકતંત્રમાં વિપક્ષ પણ સક્રિય થાય તે ખૂબ જરૂરી છે. નવા સત્ર સાથે નવા ઉમંગ સાથે અને નવા સપનાઓ સાથે પણ જોડાય.

આઝાદી બાદ સૌથી વધુ મતદાન આ ચૂંટણીમાં થયું છે. આઝાદી બાદ સૌથી વધુ મહિલા પ્રતિનિધિઓ ચૂંટાઈ છે. ત્યારે પીએમ મોદીએ જનતાનો આભાર માનતા કહ્યું કે, જનતાએ સેવાની તક આપી તે બદલ આભાર. સંસદ ચાલ્યું છે ત્યારે પણ દેશહિતમાં નિર્ણયો થયા છે. તમામ પક્ષો ઉત્તમ પ્રકારની ચર્ચા કરશે અને આશા રાખીએ જનહિતમાં નિર્ણયો આવે.
વડાપ્રધાન મોદીએ ગૃહમાં વિરોધના સ્થાને સક્રિય ભાગીદારીની અપિલ તમામ સાંસદોને કરી છે. તેમણે કહ્યું- “પાછલા ૫ વર્ષનો અનુભવ છે, જ્યારે ગૃહ ચાલ્યું છે તો દેશના હિતમાં સારા નિર્ણય લેવાયા છે. આ અનુભવોના આધારે હું આશા રાખું છું કે તમામ પક્ષો ઉત્તમ પ્રકારની ચર્ચા અને પ્રજાના હિતમાં નિર્ણય અને લોકોની આકાંક્ષાઓની પૂર્તિની દિશામાં આગળ વધી રહ્યા છે. સૌનો સાથ સૌનો વિકાસની યાત્રાની શરુઆત કરી જેમાં દેશની જનતાએ અદ્ભૂત વિશ્વાસ દેખાડ્યો. સામાન્ય માણસની મહત્વકાંક્ષાનો સંકલ્પ લઈને જરુર આગળ વધવાનો પ્રયાસ કરીશું.

ઉલ્લેખનીય છે કે નવી લોકસભાનું પહેલું સત્ર ૪૦ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન ગૃહમાં ૩૦ બેઠકો થશે. પહેલા બે દિવસ સાંસદોની શપથવિધિ ચાલશે. એ પછી ૧૯ જૂને લોકસભાના સ્પીકરની પસંદગી થશે. બાદમાં ૫ જુલાઇએ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નવી સરકાર પોતાનું પહેલું બજેટ રજૂ કરશે. સંસદના આ સત્રમાં ત્રણ તલાક સહિત જમ્મુ કાશ્મીર અનામત બિલ અંગે ચર્ચા થવાની છે. આ ઉપરાંત આધાર અને અન્ય કાનૂન બિલ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, હોમિયોપેથી કેન્દ્રીય પરિષદ અને વિશેષ આર્થિક ક્ષેત્રના બિલ સંસદમાં રજૂ થવાના છે અને તે અંગે ચર્ચા પણ થવાની છે.

Related posts

મુંબઇ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી : અદાણીના બોર્ડને નુકસાન પહોંચાડ્યું

Charotar Sandesh

૧૬મીએ કેજરીવાલની શપથવિધિ, ઉપરાજ્યપાલે આપ્યું આમંત્રણ…

Charotar Sandesh

ભારતે ચીનને આપ્યો ઝટકો, રેલ્વેએ ૪૪ વંદે ભારત ટ્રેનોનું ટેન્ડર કર્યુ રદ્દ…

Charotar Sandesh