સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બદલાયા…
ગાંધીનગર,
અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના ૭૯ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીના રાજકોટ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાનીને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાને ઉદ્યોગ કમિશનર(ગાંધીનગર) બનાવવામાં આવ્યા છે. જો કે સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા સર અને માંડલ બેચરાજી સર)ના સીઈઓ તરીકે રાહુલ ગુપ્તાને જાળવી રાખવામાં આવ્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાનીનો સાડા ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવાથી તેની બદલી લગભગ નિશ્ચિત હતી. જ્યારે રાજકોટ કલેક્ટર તરીકે રાહુલ ગુપ્તાને દોઢ વર્ષ જ થયું હોવા છતાં તેમની બદલી કરવામાં આવી છે. જો કે થોડા સમય પહેલા રાહુલ ગુપ્તાનું સુપર ટાઈમ સ્કેલ ઓફ આઈએએસ તરીકે પ્રમોશન કરવામાં આવ્યું હતું. આજે તેમની ઉદ્યોગ કમિશનર(ગાંધીનગર) તરીકે બદલી કરવામાં આવી છે.
જ્યારે આરોગ્ય કમિશનર ડૉ. જયંતી રવિની પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે.