અલીગઢ,
અલીગઢમાં અઢી વર્ષની બાળકી ટિ્વન્કલની નરપિશાચ પણ શરમાય તેવી ક્રુરતાથી થયેલી હત્યા બાદ ભારે તનાવ છે. લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ છે. સુરક્ષાબળો ખડકી દેવાયા હોવા છતા લોકો રસ્તા પર ઉતરીને ટિ્વન્કલના હત્યારાઓને ફાંસી આપવાની માંગણી કરી રહ્યા છે. અલીગઢના ટપ્પલમાં આજે બીજા દિવસે પણ સુરક્ષા બળોએ ફ્લેગ માર્ચ કરી હતી.બાળકીને ન્યાય અપાવવા માટે દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. કેન્ડલ માર્ચની સાથ સાથે આરોપીઓના પૂતળા પણ ફૂંકાઈ રહ્યા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી. જ્યારે યુપીમાં લખીમપુરમાં તો લોકો ન્યાય માટે આમરણ ઉપવાસ પર ઉતરી ગયા છે.મધ્યપ્રદેશમાં મુસ્લિમ સમાજે આરોપીઓના પૂતળાનુ દહન કરીને ગુસ્સો દર્શાવ્યો હતો. ૧૦૦૦૦ રુપિયાની ઉઘરાણીમાં આરોપી જાહીદ અસલમ, તેના ભાઈ મહેંદી, મહેંદીની પત્ની અને જાહીદના એક મિત્રે ટિ્વન્કલની હત્યા કરી હતી.એવુ પણ મનાય છે કે ટિ્વન્કલને ગળુ દબાવીને મારી નાંખવામાં આવ્યા બાદ તેના મૃતદેહને ફ્રીઝમાં છુપાવાયો હતો.
આ મામલામાં યુપી પોલીસે વરતેલી ઢીલાશ સામે પણ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.