ડીવાયએસપી બી. ડી. જાડેજા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજીનો સ્ટાફ ઘટનાસ્થળે…
આણંદ નજીક આવેલા લાંભવેલ પાસેના પેટ્રોલ પંપ સામે આજે સવારના સુમારે બાઈક પર આવેલા બે શખ્સો આંગણીયા પેઢીના ૪૬ લાખની લૂંટ કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે આણંદ રૂરલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે લૂંટારાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લાંભવેલ ખાતે રહેતા અને ગામડીવડ ખાતે વી. પટેલ આંગણીયા પેઢી ચલાવતા જયંતિભાઈ ઠક્કર સવારના સુમારે એક થેલામાં ૪૬ લાખ રૂપિયા ભરીને પોતાના પુત્ર સાથે બાઈક પર સવાર થઈને આંગણીયા પેઢીેએ જવા નીકળ્યા હતા. ૭.૫૦ મિનિટે તેઓ લાંભવેલ રોડ ઉપર આવેલા એસ્સાર પેટ્રોલપંપ નજીકથી પસાર થતા હતા ત્યારે પાછળથી બાઈક પર બે શખ્સો આવી ચઢ્યા હતા અને બાઈકની પેટ્રોલની ટાંકી ઉપર મુકેલો રૂપિયા ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસને કરવામાં આવતાં ડીવાયએસપી બી. ડી. જાડેજા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજીનો સ્ટાફ ઘટનાસ્થળે ઘસી ગયો હતો અને લૂંટનો ભોગ બનેલા પિતા-પુત્રની પુછપરછ કરીને લૂંટારાના સગડ મેળવવાની તજવીજ હાથ ઘરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એસ્સાર પેટ્રોલપંપ અને નજીકમાં આવેલી સ્કુલના સીસીટીવી ફુટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. તેના આધારે પોલીસ દ્વારા લૂંટારાઓનું પગેરું મેળવવાનો પ્રયત્ન કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.