ખાનપુર ગામની પ્રાથમિક શાળામાં આચાર્યપદે છેલ્લા ત્રણ વર્ષથી અરવિંદભાઈ પ્રજાપતિ ફરજ બજાવે છે…
આણંદ : આણંદ તાલુકાના ખાનપુર ગામે આવેલી પ્રાથમિક શાળાના આચાર્યની બદલી કરાતા ગ્રામજનો દ્વારા આજે પોતાના બાળકોને શાળામાં નહી મોકલી આચાર્યની બદલીનો વિરોધ કરી શાળા બંધ કરાવી દીધી હતી. ખાનપુર ગામની પ્રાથમિક શાળામાં આચાર્યપદે છેલ્લા ત્રણ વર્ષથી અરવિંદભાઈ પ્રજાપતિ ફરજ બજાવે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર અરવિંદભાઈ પ્રજાપતિએ છેલ્લા ત્રણ વર્ષમાં શાળામાં ઘણું રચનાત્મક પરિવર્તન કર્યું છે.
રજાના દિવસે પણ તેઓ વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી ગણિત- વિજ્ઞાનનું વિશેષ કોચીંગ આપે છે. અને જેને લઈને તેઓ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં લોકપ્રિય બનેલા છે. ત્યારે તાજેતરમાં જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેઓની બોરસદ તાલુકામાં બદલી કરતા ગ્રામજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ અંગે સ્થાનિક વાલી નિલેશભાઈ પંચાલે જણાવ્યું હતું કે અરવિંદભાઈ પ્રજાપતિ આચાર્ય ઉપરાંત વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાનનો અભ્યાસ કરાવતા હતા.
હાલમાં જે અન્ય શિક્ષક છે. તે ૯૦ ટકા દિવ્યાંગ છે અને ગણિત વિષયમાં બાળકોને ભણાવવા માટે બોર્ડ સુધી પહોંચવું પડે પરંતુ આ દિવ્યાંગ શિક્ષક બોર્ડ સુધી પહોંચી શકે તેમ નથી. અને જેના કારણે તેઓ બાળકોને ગણિત-વિજ્ઞાનનો અભ્યાસ કેવી રીતે કરાવી શકશે. જેથી આચાર્ય અરવિંદભાઈ પ્રજાપતિની બદલીના વિરોધમાં આજે ગામના તમામ વાલીઓએ પોતાના બાળકોને શાળામાં નહી મોકલી શાળા બંધ કરાવી દીધી હતી અને તેઓએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી આચાર્યની બદલી રોકવા માટે માંગ કરી છે.