Charotar Sandesh
ગુજરાત

અમદાવાદમાં ધૂળેટી રમ્યા તો ગટર-પાણી કનેક્શન થઈ જશે કટ…

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ અને કેસોમાં નોંધાયેલા જેરદાર ઉછાળાના કારણે AMCએ વધુ એક મોટો નિર્ણય લઈને હોળી-ધૂળેટીના તહેવારને લઈને અનેક પ્રતિબંધો મૂક્યા છે. આજે હોળી અને ધુળેટીને લઈને અમદાવાદ મનપા એક્શનમાં આવી ગઈ છે અને શહેરમાં તહેવારોને લઈને એક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં ક્લબ, સ્વિમિંગ પુલ, પાર્ટી પ્લોટ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. સમાજની વાડીઓમાં થતી ધૂળેટીની ઉજવણી પણ બંધ રાખવા આદેશ કરાયો છે. એટલું જ નહીં, તહેવારોમાં મંદિરો, હવેલીમાં થતી ઉજવણી પણ બંધ રાખવા આદેશ કર્યો છે. કોઈ પણ વ્યક્તિ જાહેર રસ્તાઓ પર ધુળેટી રમી શકશે નહીં. કારણ કે અમદાવાદ મનપા દ્વારા જાહેર રસ્તાઓ પર ધુળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનની ૨૦૦થી વધુ ટીમો શહેરના રસ્તાઓ પર વોચ રાખશે અને કોઈ પણ વ્યક્તિ નિયમ ભંગ કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં હર્ષદ સોલંકીએ આજે જણાવ્યું હતું કે, અમદાવાદમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શહેરની મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરતાં તેમની ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે, તેવું નિવેદન આપ્યું હતું.
રાજ્યમાં તમામ ક્લબો સદંતર બંધ રહેશે. મોટી સોસાયટીઓ તેમજ બંગલાઓમાં ટોળે વળી પાણી કે કલરથી હોળી રમીને કરાતી ઉજવણી બંધ રાખવાની રહેશે. તમામ સરકારી તેમજ પ્રાઈવેટ સ્વીમિંગ પૂલ બંધ રહેશે. સમાજની વાડીમાં કરવામાં આલતાં ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે. તમામ પાર્ટી પ્લોટોમાં ઉજવણી બંધ રહેશે. મોટા મંદિરો/હવેલીમાં ફુલ-કલરથી હોળી રમવાના ઉત્સવો બંધ રાખવાના રહેશે. જાહેર રસ્તાઓ ઉપર હોળી રમી શકાશે નહીં. તેમજ જાહેર રસ્તા પર ટોળે વળીને પૈસા ઉધરાવાની પ્રવૃત્તિ કરી શકાશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હોળી પ્રગટાવવાની અને દર્શન કરવા માટે સરકાર અનુમતિ આપી છે પરંતુ નાગરિકો ધુળેટીની ઉજવણી કરી શકશે નહીં. એટલું જ નહીં પણ અત્યાર સુધી જે નિયમો લાગુ કરવામાં આવ્યા છે તે નિયમોનો કડક રીતે અમલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ગુજરાતમાં હોળી-ધૂળેટીના તહેવારોમાં પોલીસ પ્રશાસનને સૂચના આપીને નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવશે.

Related posts

યુજીસીએ જાહેર કરી યુનિ.-કોલેજ રિ-ઓપનિંગની એસઓપી, મુલાકાતીઓને નો એન્ટ્રી…

Charotar Sandesh

ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી રાખવાનો શું મતલબ ? શંકરસિંહ વાઘેલાનો સવાલ

Charotar Sandesh

તહેવારો દરમિયાન ગુજરાત એસ.ટી. નિગમ વધારાની ૧૫૦૦ બસો દોડાવશે

Charotar Sandesh