Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ કલેકટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદ : નાગરિકોને અફવાઓથી દૂર રહેવા હાર્દિક અપીલ…

શહેર અને જિલ્લામાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી : શહેરમાં  અને જિલ્લામાં ૨૪૪ પ્રવાસીઓનું તકેદારી રૂપે સ્ક્રીનીંગ કરાયું…

ભારત અને રાજય સરકારના માર્ગદર્શનનો ચૂસ્ત અમલ કરાવવાની સાથે આરોગ્ય અને શિક્ષણ સહિતના તમામ સંલગ્ન ક્ષેત્રોને તેના પાલનની તાકીદ કરવામાં આવી છે : જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ

આણંદ : જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે આણંદ શહેર અને જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ તંત્ર, આરોગ્ય તંત્ર અને સંબધિત વિભાગો દ્વારા કોરોનાને અટકાવતી તકેદારીઓનું સંકલિત રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધી કોરોનાનો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો ન હોવાનું આજે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.

તેમણે વધુમાં કોરોનાને અટકાવવાની સાવચેતીના રૂપમાં ભારત અને રાજય સરકારના માર્ગદર્શનનો ચુસ્ત અમલ કરાવવાની સાથે આરોગ્ય અને શિક્ષણ સહિતના તમામ સંલગ્ન ક્ષેત્રોને તેના પાલનની તાકીદ કરી છે સાથોસાથ નાગરિકોને ભયભીત થવાને બદલે સતર્ક રહેવા અને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા તેમજ સરકાર દ્વારા મુદ્રિત અને વિજાણુ માધ્યમો દ્વારા સાવચેતીના ઉપાયોની અધિકૃત્ત જાણકારી આપવામાં આવી રહી છે અને  તે મુજબ યોગ્ય તકેદારી લેવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો.

સરકારી આરોગ્ય સંસ્થાઓ ઉપરાંત શહેર-જિલ્લાની તબીબી શિક્ષણ અને આરોગ્ય સંસ્થાઓ સાથે ભારત અને રાજય સરકાર દ્વારા કોરોના વિષયક અટકાયતી તકેદારીઓ અને માર્ગદર્શનોના અમલનું સંકલન કર્યુ છે એવી જાણકારી આપતા તેમણે જણાવ્યું કે, તે જ રીતે આણંદ શહેર તથા જિલ્લામાં   આરોગ્ય તંત્ર દ્વારા ૨૪૪ પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે જે પૈકી  ૨ (બે) સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ નેગેટીવ જણાયા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા  અટકાયતી તકેદારીઓનો સઘન અમલ કરવામાં આવી રહ્યો છે.

સાવચેતીના પગલારૂપે સરકારી અને ખાનગી દવાખાનાઓમાં આઇસોલેશન વોર્ડ, લોજીસ્ટીક્સ અને તબીબી સેવાઓને સુસજ્જ કરવામાં આવી છે. તબીબો અને પેરામેડિકલ સ્ટાફને જરૂરી તાલીમ અને સેનેટાઇઝેશન કરવામાં આવ્યું છે/આવી રહ્યું છે. જાહેરમાં થૂંકવાની મનાઇનું ચૂસ્તપણે પાલન કરાવવા અને આ પ્રકારનું કૃત્ય કરનાર સામે કાયદાકીય જોગવાઇ પ્રમાણે દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું છે.

ગઇકાલ તા. ૧૬/૩/૨૦૨૦થી શાળા-કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણની કામગીરી બંધ રાખવામાં આવી છે. સિનેમાગૃહોને પણ બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. આ મનાઇ ટ્યુશન ક્લાસીસને પણ લાગુ પડે છે. આજે શાળાઓ ચાલુ રાખવાની કોઇ ફરિયાદ મળી નથી અને જો કોઇ ફરિયાદ મળશે તો જરૂરી પગલાંઓ ભરવામાં આવશે. સરકારી દવાખાનાઓની સાથે ખાનગી દવાખાનાઓમાં પણ ફ્લુ કોર્નર બનાવવા જણાવવામાં આવ્યું છે અને શરદી, ઉધરસ, ગળતું નાક, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો ધરાવતા દર્દીઓની અલાયદી તપાસ ફ્લુ કોર્નર ખાતે કરવા સૂચના આપવામાં આવી છે.

પ્રવાસીઓ જેમાં રોકાણ કરે છે તેવી હોટલ્સને સંબંધિત એડવાઇઝરીનું ચૂસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. મેળાઓ, જાહેર સભાઓ, વર્કશોપ, સેમિનાર સહિત સમૂહ એકત્રિત થાય તેવા કાર્યક્રમો ન યોજવા વિભાગોને જણાવવામાં આવ્યું છે અને ખાનગી સંસ્થાઓ, મંડળો ઇત્યાદિ દ્વારા તેનું પાલન કરવામાં આવે એવો અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીના હાજરીમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના સહયોગથી મીટીંગનું આયોજન કરવામાંઆવ્યું હતું.  જેમાં માસ્ક અને સેનેટાઇઝર્સનો સમાવેશ પ્રાઇઝ અને સ્ટોક કંટ્રોલ રિજિમ હેઠળ આવશ્યક ચીજવસ્તુઓ હેઠળ કરવામાં આવ્યો છે. તેનો વધુ ભાવ લેવો, સંગ્રહ કરવો કે ગુણવત્તામાં બાંધછોડ કરવી એ ગુનાહિત છે, પુરવઠા, ખોરાક અને ઔષધ વિભાગ અને આરોગ્યતંત્ર દ્વારા આ બાબતમાં સંકલિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. એસ.ટી. તંત્રના કર્મચારીને આરોગ્ય વિભાગ દ્વારા તાલીમબધ્ધ કરી બસમથકો ખાતે જનરલ હેલ્થ ગાઇડલાઇન્સ પ્રમાણે વ્યવસ્થાઓ રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

જિલ્લાની બે સરકારી હોસ્પિટલ્સ (સીવીલ હોસ્પિટલ આણંદ અને પેટલાદ) ખાતે અનુક્રમે ૧૦ અને ૪ પથારીના આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાની ખાનગી હોસ્પિટલો ખાતે આવશ્યક સંજોગોમાં ઉપયોગમાં લઇ શકાય તેવા હેતુસર ૫૩ પથારીના આોઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલ્સને આઇસોલેશન બેડ્સ વધારવા તૈયારી રાખવા જણાવવામાં આવ્યું હોવાનું કલેકટરશ્રીએ કહ્યું હતું.

પાણી અને સાબુથી વારંવાર હાથ ધોવા અને તે જ્યાં ઉપલબ્ધ ન હોય તો વિકલ્પ તરીકે સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવે તે હિતાવહ છે. સોશિયલ મીડિયા સહિતના માધ્યમો કોરોના વિષયક તકેદારીઓના પ્રચારમાં સારો સહયોગ આપી રહ્યા છે પરંતુ ગેરમાહિતી કે અફવા ન ફેલાય તેની તકેદારી તમામ દ્વારા લેવામાં આવે તે આવશ્યક હોવાનું જણાવી કલેકટરશ્રીએ એપેડેમિક કાયદા પ્રમાણે અફવા કે ગેરમાહિતીનો પ્રચાર કરવામાં આવે તે કાયદેસરની કાર્યવાહીને પાત્ર હોવાનું કહ્યું હતું. વધુમાં કલેકટરશ્રીએ જિલ્‍લાના નાગરિકોને અફવાઓથી  દૂર  રહેવા પણ હાર્દિક અપીલ કરી છે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારએ જિલ્લામાં હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓની વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ મેડીકલ ઓફિસરો અને ડૉકટરોનો વર્કશોપ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ ઉપરાંત સેટકોમના માધ્યમથી પેરામેડીકલ સ્ટાફને પણ માર્ગદર્શિત કરવામાં આવ્યા છે. જયારે શહેર અને જિલ્લાની વિવિધ સરકારી ઇમારતો અને મોટા બિલ્ડીંગોનું સેનીટાઇઝેશન કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લાના કોઇપણ નાગરિકને સારવાર માટેની જરૂરિયાત હશે તો તેવા નાગરિકોને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી જરૂરી સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારએ જિલ્લાના નાગરિકોમાં જનજાગૃતિ આવે તે માટે એક લાખ ઉપરાંત પત્રિકાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની સાથે વિવિધ હોર્ડીંગ્સો લગાવીને પણ નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા હોવાનું કહ્યું  હતું.

જિલ્લામાં કોઇપણ પ્રકારની અફવાઓ ફેલાય નહીં તે માટે સીનીયર સિટીઝનો, વિવિધ ધર્મગુરૂઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે તબકકાવાર બેઠકો યોજવામાં આવી રહી હોવાની મીડિયા કર્મીઓને જાણકારી આપી હતી.

જિલ્લામાં ચોવીસ કલાક કાર્યરત કરવામાં આવેલ કંટ્રોલ રૂમનો ફોન નંબર- ૦૨૬૯૨-૨૬૦૬૭૫ ઉપર કોઇપણ નાગરિકો તેની ઉપર સંપર્ક કરી શકે છે તેમ પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારીએ આરોગ્ય તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલ વિવિધ પગલાંઓની વિગતો આપતાં કોઇપણ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તો તેવી તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર સુસજજ હોવાનું કહ્યું હતું. હાલ જિલ્લામાં સરકારની બે હોસ્પિટલો અને ચાર ખાનગી હોસ્પિટલો સહિત ૬૭ આઇસોલેશન વોર્ડ અને ૨૩ વેન્ટીલેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ ઉપરાંત એસ.ટી.બસના ડ્રાઇવરો અને કંડકટરોને પણ તાલીમ આપવાની સાથે જિલ્લામાં મોટા પ્રમાણમાં આવેલ દૂધ મંડળીઓ સાથે પણ બેઠકો કરી જનજાગૃતિ માટેના પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા હોવાની વિગતો આપી હતી.

અંતમાં જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે જિલ્લાના નાગરિકોને કોઇપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા સહિત  મીડિયા કર્મીઓને પણ આવી અફવાઓ ફેલાય નહીં તે માટે સહયોગની અપીલ કરી હતી.

Related posts

આણંદ : તા.૧૯ થી તા.૨૩મી ઓક્ટોબર દરમિયાન ઓનલાઈન ભરતી મેળાનું આયોજન કરાશે…

Charotar Sandesh

સર્વ સમાજ સેવા સંગઠન દ્વારા વાસદ-આંકલાવ-આણંદ શહેરના વિસ્તારોમાં ભોજનનું વિતરણ કરાયું…

Charotar Sandesh

આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત…

Charotar Sandesh