નોર્થ પૉલ ક્રોસ કરીને સાન ફ્રાન્સિસ્કોથી બેંગુલુરૂ પહોંચી…
બેંગ્લુરુ : એર ઇન્ડિયાની મહિલા પાઇલટોએ સૌથી લાંબા મનાતા ઉડ્ડયન માર્ગને સફળતાથી પાર કરી ઉત્તર ધ્રુવ પર ઊડ્ડયન કરીને એક નવો ઇતિહાસ સર્જ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોથી ઉત્તર ધ્રુવ થઇને આ ફ્લાઇટ બેંગાલુરુ પહોંચી હતી.
એર ઇન્ડિયાએ આ મહિલા ટીમને બિરદાવતાં ટ્વીટ કરી હતી કે વેલકમ હોમ. અમને તમારા પર ગર્વ છે. અમે છૈં૧૭૬ ફ્લાઇટના તમામ પેસેંજર્સને અભિનંદન આપીએ છીએ જેઓ આ ઐતિહાસિક પ્રવાસના સાક્ષી બન્યા. આ ફ્લાઇટમાં તમામ સ્ટાફ મહિલાઓનો બનેલો હતો. એ લોકોએ ૧૬ હજાર કિલોમીટરનું અંતર સફળતાથી કાપ્યું હતું
આ ફ્લાઇટને લોકેશનની વિગત સોશ્યલ મિડિયા દ્વારા એર ઇન્ડિયા પોતે આપતું રહ્યું હતું. મુખ્ય પાઇલટ તરીકે ઝોયા અગ્રવાલ હતી. તેના સહાયક પાઇલટોમાં પાપાગરી તન્મય, કેપ્ટન શિવાની અને કેપ્ટન આકાંક્ષા સોનવણે હતી. એર ઇન્ડિયાના ઇતિહાસમાં મહિલા પાઇલટો દ્વારા મેળવવામાં આવેલી આ પહેલવહેલી ઐતિહાસિક સિદ્ધિ હતી.
ઉડ્ડયન શરૂ કરતાં પહેલાં કેપ્ટન ઝોયાએ કહ્યું કે અમારી પહેલાં પણ નોર્થ પૉલ સુધી ઉડ્ડયન થયું છે. અમારી સિદ્ધિ એટલા માટે અલગ હતી કે અમારી ફ્લાઇટમાં તમામ સ્ટાફ મહિલાઓનો બનેલો હતો. ભારતની પુત્રીઓએ અમેરિકાની સિલિકોન વેલીથી ભારતની સિલિકોન વેલી સુધી ઉડ્ડયન કરી બતાવ્યું હતું.
સાન ફ્રાન્સિસ્કોથી વિમાન રવાના થયું ત્યારે મુલકી ઉડ્ડયન ખાતાના પ્રધાન હરદીપ પુરીએ ટ્વીટર પર લખ્યું હતું કે કૉકપીટમાં ટેલેન્ટેડ, વ્યવસાયી અને આત્મવિશ્વાસથી ભરપુર મહિલા પાઇલટોએ સાન ફ્રાન્સિસ્કોથી ઉડ્ડયન શરૂ કર્યું હતું. તેઓ નોર્થ પૉલથી પસાર થશે. અમારી નારી શક્તિએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
અન્ય એક ટ્વીટમાં હરદીપ પુરીએ લખ્યું કે સાન ફ્રાન્સિસ્કોથી બેંગાલુરુ સુધીની આ મહિલા ફ્લાઇટના પગલે વંદે ભારત મિશન ખાસ બન્યું હતું. આ મિશને અત્યાર સુધીમાં ૪૬.૫ લાખ લોકોને આંતરરાષ્ટ્રીય પ્રવાસની સુવિધા આપી હતી. અત્યારે વિમાન નોર્થ પૉલ ક્રોસ કરીને ભારતીય હવાઇ ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યું છે.
એર ઇન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યું કે નોર્થ પૉલ પરથી ઉડ્ડયન માટે એરલાઇન્સ કંપનીઓ અત્યંત અનુભવી અને પોતાના સર્વશ્રેષ્ઠ પાઇલટોને મોકલે છે. એર ઇન્ડિયાના પાઇલટો અગાઉ આ વિસ્તારમાં ઉડ્યન કરી ચૂક્યા હતા પરંતુ આખેઆખી ફ્લાઇટ મહિલાઓની બનેલી હોય એવી આ પહેલી ઘટના હતી.