પ્રદેશ પ્રમુખ, વિપક્ષી નેતા અને પ્રભારીની પસંદગી માટે હાઈકમાન્ડનું મનોમંથન : હાર્દિક પટેલ પણ દિલ્હીમાં… ભરતસિંહ સોલંકી પણ દિલ્હીમાં… સાંજ સુધીમાં મોઢવાડિયાના નામની જાહેરાત થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ…!
કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ પ્રમુખપદનો તાજ મોઢવાડિયાના શિરે..?!
ગાંધીનગર : ગુજરાત સહિત દેશના ૬ રાજ્યોમાં આગામી એકથી દોઢ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એમાંય ગુજરાત અને ઉત્તરપ્રદેશ દેશના રાજકારણમાં માટે ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્યો છે ત્યારે દિલ્હીમાં અત્યારથી જ ભાજપ હોય કે કોંગ્રેસ બંને પાર્ટીઓમાં દોડધામ વધી ગઈ છે. ભાજપ અત્યારે પહેલા ઉત્તરપ્રદેશ પર ફોકસ કરી રહ્યું છે જ્યારે કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં પહેલા સંગઠન મજબૂત કરવા માટે કામે લાગ્યું છે.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે, છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આ રાજીનામાં પડ્યા હોવા છતાં આટલા સમયથી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધનથી પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાને મૂકવામાં આવે તેના પર વિચાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ માટે બે જૂથ હોવાનું માનવામાં આવી રહ્યું છે.