કોરોનાની રસી પર કામ કરનાર ઝાયડસ સંભવતઃ પહેલી કંપની…
અમદાવાદ : કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા કંપની ઝાયડસ કેડિલાએ આ દિશામાં કામ શરુ કર્યું છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે આ વાતની પુષ્ટી કરી હતી અને જણાવ્યું હતું કે, અમે કોવિડ-19ની વેક્સિન પર કામ કરી રહ્યા છીએ અને અમે પ્રાણીઓ પર તેનું ટ્રાયલ લેવાનું શરુ કર્યું છે. આ એક સમય માગી લે તેવી પ્રક્રિયા છે અને અમને આશા છે કે અમે તેમાં સફળ થઈશું.
માર્ચમાં કંપનીએ જાણકારી આપી હતી કે તેણે કોરોના વાઈરસ માટે હવે રસી વિકસાવવા માટે સંશોધન કાર્યક્રમ શરૂ કર્યો છે. કંપની સુત્રોએ જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં સંપૂર્ણ પ્રોસેસ અને તેના પરિણામ આવતા લગભગ 4-6 મહિના જેટલો સમય લાગી શકે છે. પ્રાણીઓ પર આની કેવી અસર રહે છે તેના આધારે રિસર્ચને આગળ વધારવામાં આવશે. અહીં નોંધવું રહ્યું કે, 2010 માં ફાટી નીકળેલા સ્વાઇન ફ્લૂની રસી વિકસાવવા અને સ્વદેશી ઉત્પાદન શરુ કરનાર ઝાયડસ કેડિલા એ પ્રથમ ભારતીય ફાર્મા કંપની હતી.
હાલમાં કોરોનાના ઈલાજ માટે સૌથી વધુ મેલેરિયાના ઈલાજ માટે વપરાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનને કોરોનાના ઈલાજ માટે અસરકારક માનવામાં આવે છે. આ દવાના ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશ છે. ભારતમાં પણ ઇપ્કા લેબોરેટરીઝ અને ઝાયડસ કેડિલા આ દવાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. ફાર્મા અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિનના કુલ ઉત્પાદનમાં આ બંને કંપનીઓનો શેર 80%થી પણ વધુ છે. ઝાયડસ કેડિલા આ દવાનું માસિક 20 ટનની ઉત્પાદન ક્ષમત ધરાવે છે.
ફાર્મા ઉદ્યોગના જાણકારોના કહેવા પ્રમાણે, અમેરિકામાં કોરોનાનો ફેલાવો જે રીતે થઇ રહ્યો છે તેને જોતા અમેરિકન સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન કરતી ભારતની કંપનીઓને તેનો મોટો ઓર્ડર આપ્યો હતો. આમાં ઝાયડસ અને ઇપ્કા પણ શામેલ છે. જોકે ભારતમાં પણ કોરોનાનો વ્યાપ વધતા કેન્દ્ર સરકારે દેશમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિનની અછત ઉભી ન થાય તે માટે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બાદમાં બંને સરકારો વચ્ચે વાતચીત થયા બાદ હવે આ દવાના જુના ઓર્ડર અને નવા ઓર્ડર બંને માટે માર્ગ ખુલ્લો થયો છે.