અમદાવાદ : ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે સતત વિકટ થતી જઇ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન બંધ થઇ ચુક્યું છે. હવે માત્ર વિભાગ દ્વારા પ્રેસનોટ જ આપવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આરોગ્ય સચિવ, સીએમઓના સચિવના બ્રીફિંગ બંધ થઈ ગયા છે. આવામાં હવે આરોગ્ય સચિવ દ્વારા જે પ્રેસનોટ આપવામાં આવે છે તેમાં પણ પૂરતી માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે. હવે ગુજરાત સરકાર પોતાની જનતાથી કંઈક છુપાવવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલથી આરોગ્ય વિભાગે નવા રંગરૂપ સાથે કોરોના અંગેની પ્રેસ નોટ જાહેર કરી છે. નવા રંગરૂપ સાથે જાહેર કરાયેલી પ્રેસ નોટમાં પ્રથમ દિવસે જ ભૂલ સામે આવી છે. ગઈકાલની પ્રેસનોટ મુજબ ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા ૬ દિવસથી એકપણ કોરોનાનો કેસ ન હોવાનો ઉલ્લેખ કરાયો છે.
આરોગ્ય વિભાગે ૨૪ મેના દિવસે જાહેર કરેલી પ્રેસ નોટમાં ભાવનગરમાં ૧ કેસ હોવાની માહિતી આપી હતી. આમ, વિવિધ જિલ્લાઓના કેસ રજૂ કરવામાં પણ અનેક મતમતાંતર સર્જાઈ રહ્યાં છે. તો ક્યાંક જિલ્લાના અને રાજ્ય સરકારના આંકડા મેચ ખાતા નથી. નવા રંગરૂપ સાથે આવેલી પ્રેસનોટમાંથી વેન્ટીલેટર શબ્દ જ ગાયબ કરી દેવાયો છે. અગાઉ વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની સંખ્યા અંગે લોકોને માહિતી આપવામાં આવતી હતી. ગઈકાલે પ્રસિદ્ધ થયેલી પ્રેસનોટમાં રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કોરોનાના કેસોની સંખ્યા પણ હટાવી માત્ર દિવસમાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓની સંખ્યા જ આપવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાથી સ્થિતિ દિલ્હી, રાજસ્થાન જેવા રાજ્યો કરતા પણ વધુ ગંભીર છે.
ગુજરાતમાં મૃત્યુદર સતત વધી રહ્યો છે, અને આ મૃત્યુદરને રોકવામાં ગુજરાત સરકાર અસફળ નીવડી છે. ત્યારે સરકાર મૃત્યુદર અને ટેસ્ટના આંકડાથી વાસ્તવિકતા છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કેટલા મૃત્યુ થયા, દરેક જિલ્લામાં કેટલા કેસ અને કેટલા મોત, કેટલા ટેસ્ટ કરાયા અનેક કેટલા પોઝિટિવ આવ્યા આ દરેક માહિતી પૂરતી આપવામા નથી આવી રહી. સરકાર છુપાવવાના પ્રયાસો કરે છે. આમ, સરકાર ગુજરાતની જનતાને સાચી હકીકત છુપાવવાનો પ્રયાસ કરી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યનાં કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યા ૧૪૮૨૯ થઇ ગઇ છે. જો કે સામે પક્ષે ગુજરાતનો રિકવરી રેટ પણ વધ્યો છે અને તે ૪૮.૩૧ ટકાએ પહોંચી ગયો છે.