દક્ષિણ કોરિયામાં ૭૦ નવા કેસ, કુલ આંકડો ૮૩૩ પર પહોંચ્યો…
તહેરાન : કોરોના વાયરસ ધીમે ધીમે વિશ્વના અલગ અલગ દેશોમાં પહોંચી રહ્યો છે. ઈરાનમાં અત્યાર સુધી ૧૨ લોકોનું કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું હોવાના રિપોર્ટ છે. તે સિવાય બહેરીન અને અફઘાનિસ્તાનમાં પહેલો કેસ નોંધાયો છે. દક્ષિણ કોરિયામાં કુલ ૭૦ નવા કેસ સામે આવ્યા છે અને સોમવાર સુધીમાં ૮૩૩ લોકો સંક્રમિત હોવાનું સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.
અફઘાનિસ્તાનના પબ્લિક હેલ્થ મિનિસ્ટર ફિરોઝુદ્દીન ફિરોઝે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. અત્યારે હેરાત પ્રાંતમાં ત્રણ શંકાસ્પદ કેસની તપાસ ચાલી રહી છે. તેના લીધે આ પ્રાંતમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.
ઈરાનના સ્વાસ્થ્યમંત્રીએ જણાવ્યું હતું કે કુલ ૧૨ લોકોનુ કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું છે જ્યારે ૪૭ કેસ સામે આવ્યા છે. મંત્રી અસદ્દોલ્લાહ અબ્બાસીએ એક ન્યૂઝ એઝન્સીને આ માહિતી આપી હતી.
ઈરાકે કુવૈતથી જોડતી સફવાન બોર્ડરને બંધ કરી હતી. કોરોના વાયરસના ખતરાને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે કુવૈત તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઈરાનથી આવેલા ત્રણ લોકોનો કેસ પોઝિટીવ આવ્યો છે. તેમાં એક સાઉદી નાગરિક પણ સામેલ છે. બીજી તરફ ઈરાનથી આવતા લોકો પર પણ ઈરાકે હાલપૂરતો પ્રતિબંધ લગાવ્યો છે.