અમદાવાદ : રાજ્યમાં કોરોના વૅક્સીનેશનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે મંગળવારે ૨૦માં દિવસે રાજ્યના ૫૬ હજારથી વધુ લોકોએ કોરોનાની રસી લીધી છે. આ સાથે અત્યાર સુધીમાં ૬.૬૦ લાખથી વધુ લોકોને વૅક્સીન અપાઈ ચૂકી છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ગત ૧૬ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલા કોરોના વૅક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુદી ૬,૬૦,૫૧૬ લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં પ્રથમ તબક્કા બાદ વૅક્સીનેશનનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે. મંગળવારે એક જ દિવસમાં ૫૬,૩૩૨ ફ્રન્ટ લાઈન વૉરિયર્સને ૯૭૪ સેન્ટર્સ પરથી વૅક્સીન આપવામાં આવી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, રસી લઈ ચૂકેલા આ લોકોમાં કોઈ પણ પ્રકારની ગંભીર આડ અસર જોવા નથી મળી. તમામ ઠેકાણે વૅક્સીનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને વૅક્સીન આપવામાં આવી હતી. હવે તેમની સાથે બીજા તબક્કામાં ફ્રન્ટ લાઈન વૉરિયર્સ એવા પોલીસ કર્મચારીઓ અને અન્ય અધિકારીઓને રસી આપવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા મંગળવારથી સફાઈ કર્મચારીઓને પણ વૅક્સીન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશનના ૨૧૦૦ સફાઈ કર્મચારીઓને મંગળવારે રસી આપવામાં આવી હતી. જે બાદ આજે બુધવારે વૅક્સીનેશન સેન્ટર્સની સંખ્યા વધારી બેગણી કરવામાં આવશે. જેથી શહેરના વધુમાં વધુ સફાઈ કર્મચારીઓને રસી આપી શકાય. અમદાવાદ મહાનગર પાલિકાના ૭ ઝોનમાં ૩૫ સેન્ટર પર મંગળવારથી સફાઈ કર્મચારીઓને કોરોના વૅક્સીન આપવાની શરૂઆત કરવામાં આવી. આ દરમિયાન ૨૧૦૦ સફાઈ કર્મચારીઓએ રસી લીધી હતી.
પ્રથમ દિવસે કર્મચારીઓના વિવિધ યુનિયનના પદાધિકારીઓ અને કર્મચારીઓને વૅક્સીન આપવામાં આવી. બુધવારે વૅક્સીનેશન સેન્ટરની સંખ્યા વધારવામાં આવશે. મંગળવારે આ સેન્ટરની સંખ્યા ૩૫થી વધારીને ૭૦ કરવામાં આવશે. કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, તમામ કેન્દ્રો પર સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટના વરિષ્ઠ તબીબોની દેખરેખમાં વૅક્સીનેશન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા ૨૦ દિવસથી વૅક્સીનેશન ચાલી રહ્યું છે. જે અંતર્ગત મંગળવારે સફાઈ કર્મચારીઓને વૅક્સીન આપવાની શરુ કરવામાં આવી છે. જે ૨૧૦૦ કર્મચારીઓને રસી આપવામાં આવી તેમનામાં કોઈ આડઅસર જોવા નથી મળી.