Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં છેલ્લાં ૧૦ દિવસમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં ૩૦૦ ટકાનો વધારો…

ગાંધીનગર : ગુજરાતમાં હાલ કોરોના કહેર, મ્યુકરમાઈકોસિસનો કહેર વરસી રહ્યો છે. લોકો કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકરમાઈકોસિસનો ભોગ બની રહ્યા છે. રાજ્યમાં તમામા મહાનગરોમાં મ્યૂકરમાઈકોસિસ દર્દીઓ માથે મોતનો ખતરો મંડરાઈ રહ્યો છે. મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. ત્યારે હાલ એક ભયાનક અહેવાલ સામે આવી રહ્યો છે. અમદાવાદ સિવિલમાં કૂદકેને ભૂસકે મ્યુકરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે ૪૮૧ દર્દીઓ દાખલ છે. પરંતુ છેલ્લા ૧૦ દિવસની વાત કરવામાં આવે તો મ્યુકરમાઈકોસિસના કેસમાં ૩૦૦ ટકાનો વધારો નોંધાયો છે. રોજના ૪૦ દર્દી વધતાં ૭ ઓપરેશન થિયેટર ખોલાયાં છે. રોજના ૩૦ જેટલાં મ્યુકરમાઈકોસિસના ઓપરેશન કરાય છે.

બીજી બાજુ મ્યુકરમાઈકોસિસનો કહેર વધતા તંત્ર અને સરકાર પણ સજાગ થઈ ગઈ છે. હાલ મ્યુકરમાઈકોસિસમાં એકમાત્ર દવા ‘એમ્ફોટેરિસિન બી’ ઈન્જેક્શન છે. જે પણ દર્દીઓને સરળતાથી મળી રહ્યા નથી. ત્યારે મ્યુકરમાઈકોસિસની દવાઓ માટે સરકારે એક ખાસ નીતિ બનાવી હોવાની વાત સામે આવી રહી છે. ‘એમ્ફોટેરિસિન બી’ ઈન્જેક્શન સરળતાથી મળી રહે તેના માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલે પડતર કિંમતે જ દર્દીઓને ઈન્જેક્શન આપવાં પડશે. તેમાં કાળા બજાર કરવામાં આવશે નહીં. સરકારે બનાવેલી નીતિ પ્રમાણે હાલ રાજ્યના ૮ મનપાની ૮ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં જથ્થો અપાશે. દર્દીના જરૂરી ડોક્યુમેન્ટના આધારે ઈન્જેક્શન અપાશે.

મ્યુકરમાઈકોસિસમાં ‘એમ્ફોટેરિસિન બી’ ઈન્જેક્શન ૮ મનપાની ૮ હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા છે, તેમાં અમદાવાદમાં એસવીપી, સોલા સિવિલ, ગાંધીનગરથી જીએમઇઆર, ભાવનગરમાં સર ટી, રાજકોટમાં પીડીયુ, જામનગરમાં જીજી હોસ્પિટલ, સુરતમાં સ્મિમેર, વડોદરા એસએસજીમાંથી ઈન્જેક્શન મળશે.
અમદાવાદ સિવિલ કેમ્પસની હોસ્પિટલોમાં મ્યૂકરમાઈકોસિસના ૪૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે, સૂત્રો કહે છે કે, સિવિલમાં રોજના એક હજાર જેટલા ઈન્જેક્શનની જરૂરિયાત સામે સરકાર રોજના માંડ ૧૦૦ જેટલા ઈન્જેક્શન પૂરા પાડે છે, ક્યારેક એય આવતાં નથી, આ સ્થિતિમાં અધકચરી સારવારના કારણે સિવિલમાં દાખલ દર્દીઓ માથે મોતનો ખતરો તોળાઈ રહ્યો હોવાનું જાણકારો કહે છે.

તબીબો પણ કોને ઈન્જેક્શન આપવા અને કોને નહિ તે નક્કી કરવામાં ચકરાવે ચઢે છે. ખાનગી હોસ્પિટલોમાં પણ આ જ પ્રકારની ગંભીર સ્થિતિ છે, જોકે સરકાર હજુ સુધી ઈન્જેક્શન પૂરા પાડી શકતી નથી. બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે.વી. મોદીનું કહેવું છે કે, સિવિલમાં મ્યૂકરના ૪૪૭ દર્દી દાખલ છે, બુધવારે સાંજ સુધીમાં ૩૦ જેટલા દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે, દિવસ દરમિયાન ૨૬ જેટલી સર્જરી કરવામાં આવી હતી. સિવિલ કેમ્પસની ડેન્ટલ હોસ્પિટલમાં ૬૦થી વધુ દર્દી છે, દર્દીઓનો ધસારો વધતાં ડેન્ટલમાં બીજું ઓપરેશન થિયેટર કાર્યરત્‌ કરી દેવાયું છે, જ્યાં રોજ સાતથી આઠ સર્જરી થઈ રહી છે.

Related posts

રાજ્યમાં ફરી લોકડાઉન લાદવાની કોઈ યોજના નથી : સીએમ રૂપાણી

Charotar Sandesh

ગુજરાતવાસીઓ આનંદો…નર્મદા ડેમની સપાટી પ્રથમવાર સપાટી ૧૩૮.૬૮ મીટરને પાર…

Charotar Sandesh

ઉમરેઠમાં પોસ્ટલ બેલેટને લઇ થઇ ભાંજગઢ

Charotar Sandesh