Charotar Sandesh
ઉત્તર ગુજરાત

ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર પોતાના હસ્તક લેવાની તૈયારીમાં…

અમદાવાદ : પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી શરુ થયેલા ઘોઘા-દહેજ રો-રો ફેરી પ્રોજેક્ટને હવે કેન્દ્ર સરકાર પોતાના હસ્તક લેવાની તૈયારીમાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ હજીરા બંદરે જેટી તૈયાર કરશે. ૨૦૧૭માં શરુ થયેલી પરંતુ ત્યારથી જ ડચકા ખાતી રો-રો ફેરીને બચાવી લેવા માટેનો આ સૌથી મોટો પ્રયાસ મનાઈ રહ્યો છે. ડીપીટીના ઉચ્ચ સૂત્રોનું માનીએ તો, હજીરામાં જેટી બનાવવા માટેનું ટેન્ડર જલ્દી બહાર પડાશે. અગાઉ પણ દહેજને બદલે હજીરા વધુ યોગ્ય માનવામાં આવતું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ રો-રો ફેરી જે રુટ પર દોડી રહી છે ત્યાં દરિયો જરુર પ્રમાણે ઉંડો ના હોવાથી તેને ચલાવવી મુશ્કેલ બની રહી છે.

ફેરીના એન્જિનમાં દરિયાની રેતી ઘૂસી જતી હોવાથી તેને મોટું નુક્સાન પણ થઈ ચૂક્યું છે, અને તેના કારણે ઘણીવાર દિવસો સુધી રો-રો ફેરી બંધ રાખવી પડી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત સરકારે પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારને સોંપી દેવાનું નક્કી કરી લીધું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડે રો-રો ફેરીનું સંચાલન ચાલુ રહે તે માટે અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેના માટે ખૂબ જ મોટો ખર્ચો થતો હોવાથી જીએમબીને પણ હવે રો-રો ફેરી ચલાવવામાં મદદ કરવું પોસાય તેમ નથી. રો-રો ફેરીનું સંચાલન કરતી સુરતની ઈન્ડિગો સીવેસ પ્રાઈવેટ લિમિટેડ પણ રો-રો ફેરીને ચાલુ રાખવા સંઘર્ષ કરી રહી છે. દરિયામાં યોગ્ય ઉંડાઈ જળવાઈ રહે તે માટે સદદ રેતી ઉલેચવાની પ્રક્રિયા ચાલુ રાખવી પડે છે, જેના માટે જીએમબી પણ મોટો ખર્ચો કરે છે.

સૂત્રોનું માનીએ તો, દહેજ અને ઘોઘા બંને ટર્મિનલે ફેરી માટે યોગ્ય ઉંડાઈ મળી રહે તે માટે રેતી ઉલેચવાના કામમાં ૧૦૦ કરોડનો ખર્ચો આવે તેમ છે, જે ગુજરાત સરકારને પોસાય તેમ નથી. હજીરામાં હાલ ટેમ્પરરી જેટી બનાવવા માટે જીએમબી જમીન ઉપલબ્ધ કરાવશે. ડીપીટીએ તેનું ટેન્ડર પણ ફાઈલન કરી દીધું છે, અને ત્રણ મહિનામાં આ કામ પૂરું કરી દેવાશે. તે જ જગ્યાએ એક વર્ષમાં કાયમી જેટી ઉભી કરી દેવાશે. આ અંગે ઈન્ડિગો સીવેસના સીઈઓ કેપ્ટન દેવેન્દ્ર મનરાલે કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે, તેમણે કબૂલ્યું હતું કે ૨૧ માર્ચથી રો-રો ફેરી બંધ પડી છે.

Related posts

આગામી ૧૩-૧૪ જાન્યુ.એ વાદળછાયું વાતાવરણ રહેશે, ઠંડા પવન ફૂંકાશે…

Charotar Sandesh

બનાસકાંઠામાં ભારે વરસાદ, પાટણમાં એનડીઆરએફની ટીમ તૈનાત

Charotar Sandesh

દીવાળીની ઉજવણી કરવા મેઘરાજા ગુજરાત પધાર્યા… ૧૩૬ તાલુકામાં માવઠું પડ્યું…

Charotar Sandesh