Charotar Sandesh
ગુજરાત

‘પટેલ’નું ‘રૂપાળુ બજેટ’ : ગરીબ-ખેડૂત-મધ્યવર્ગલક્ષી ‘અંદાજપત્ર’

નાણાંમંત્રી પટેલે સતત આઠમી વખત બજેટ રજૂ કરી રેકોર્ડ સર્જ્યો…

રૂ. ૨,૧૭,૨૮૭ કરોડનું તોતિંગ બજેટ, પ્રજા ઉપર કોઇ કરબોજ નહીં,ખેડૂતોને દિવસે વીજળી મળશે, મધ્યમ પરિવારને ૧૨ કિલો તૂવેરની દાળ અપાશે, તમામ સમાજને રાજી રાખવાના રૂપાણી સરકારના પ્રયાસ…

ગાંધીનગર : આજથી શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧નું રૂ. ૨,૧૭,૨૮૭ કરોડનું બજેટ રજૂ કર્યું હતુ. જેમાં પોલીસ સહિત અન્ય વિભાગોમાં ૧૧ હજારની નવી ભરતી, ખેડૂતો- પશુપાલકો-ગરીબો સહિત સમાજના તમામ વર્ગો માટે સમતુલિત વિકાસ માટે નાણાંકિય ફાળવણી કરીને. ખેડૂતો અને પશુપાલકો માટે નવી સહાય યોજના સહિત મધ્યમ વર્ગને મોંઘવારીને ધ્યાનમાં રાખીને ખુશ કરવાનો પ્રયાસરૂપે પ્રત્યેક પરિવારને ૧૨ કિલો તૂવેર દાળ આપવાની નવી જાહેરાત કરી હતી. ગૌ પ્રેમી સરકારે ગાય ગામડુ અને ગોડાઉન પર ભાર મૂકીને, પ્રાથમિક શાળામાં ૭ હજાર નવા ઓરડાઓ બનાવવા ૬૫૦ કરોડની ફાળવણી સહિત,શિક્ષણ માટે ૩૧ હજાર કરોડ, સૌની યોજના માટે ૧૭૧૦ કરોડ, નિરાધાર વૃદ્ધના પેન્શનમાં રૂ.૨૫૦નો વધારો સહિત નવી અનેક યોજનાઓનો પટારો ખોલીને સમાજના સૌને ખુશ રાખવાનો અને તમામના દિલ જીતવાનો પ્રયાસરૂપે અનેક પ્રજાલક્ષી નવી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં મધ્યમ વર્ગ, ગ્રામીણ વિસ્તાર, ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓને આવરી લીધા છે. ખેડૂતોને માલ વહન કરવા માટે થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારની જેમ જ કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરી છે. જેમાં પ્રાથમિક તબક્કે ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા ૮૫ હજાર આવાસોના નિર્માણ માટે રૂ.૧૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મનરેગા માટે ૪૯૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે. ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા બજેટમાં દિનકર યોજના નામની નવી જાહેરાત કરવામાં આવી છે.

તેમણે રાજ્યમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ૭૫ વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. ૭૫૦ને બદલે રૂ.૧૦૦૦ની સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી. જ્યારે ૮૦ ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.૬૦૦ની જગ્યાએ રૂ.૧૦૦૦ની સહાય ચૂકવવામાં આવશે. રાજ્યમાં આવેલા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.૧૫૦૦થી વધારી રૂ. ૨૧૬૦ કરવામાં આવશે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ મજબૂત બને અને રાજ્યના યુવાનોને રોજગારી સાથે પોલીસમાં સેવા કરવાની તક મળે તે માટે પોલીસ વિભાગમાં વિવિધ સંવર્ગમાં ૧૧ હજાર નવી ભરતી કરવામાં આવશે.

ગુજરાત સરકારે ૨૬ ફેબ્રુઆરીએ રજૂ કરેલા બજેટ ૨૦૨૦-૨૧માં અનેક નવી યોજનાઓ જાહેર કરી છે. જેમાં ગૌ પાલન માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી નવી યોજનામાં ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક ૯૦૦ એટલે કે વાર્ષિક ૧૦,૮૦૦ રૂપિયા સહાય આપવામાં આવશે. આ યોજનામાં ૫૦ હજાર ખેડૂતોને આવરી લઇને ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કિસાન પરિવહન યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે ૫૦ હજારથી ૭૫ હજાર સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે ૫ હજાર ખેડૂતોને લાભ આપવા ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પશુદાણ સહાય યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર ૫૦ ટકા રકમની સહાય આપવામાં આવશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત ૧૫ લાખ સભાસદ પશુપાલકોને આ યોજનો લાભ મળશે. આ માટે ૨૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.

પાંજરાપોળ માટે નવી યોજનાની જાહેરાતમાં રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ, ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન, પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઇક્રો ઇરીગેશન, ર્સ્પ્રીકર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ અપાશે. આ માટે ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી.

સમાજના છેવાડાના માનવી સમાન સામાન્ય લારીવાળાને મોટી સાઈઝની છત્રી આપવાની સહાયમાં રોડની સાઈડમાં કે ખુલ્લી જગ્યામાં ઉભા રહીને ફળફળાદી, શાકભાજી વગેરેનું વેચાણ કરે છે. તેવા નાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપવા માટે તથા તેમની લારીઓમાં રાખવામાં આવતા ફળફળાદી, શાકભાજી બગડી ન જાય એ માટે મોટી સાઈઝની છત્રી આપવામાં આવશે. આ માટે ૬૫ હજાર છૂટક વેચાણકારો માટે ૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દરિયો ખેડતા માછીમારોને એન્જીન ખરીદીમાં સહાયમાં નાના માછીમારોને એન્જિનની ખરીદીમાં સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત દરિયાઇ ફીશીંગ બોટ, ૨ સ્ટ્રોક, ૪ સ્ટ્રોક આઇબીએમ અને ઓબીએમ એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા ૧.૨૦ લાખના ૫૦ ટકા સહાય આપવામાં આવશે. આ માટે ૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના નામની નવી યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા સ્કૂલ ઓફ એક્સલન્સ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની ૫૦૦ શાળાઓને વિકસાવવામાં આવશે. તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ આપવામાં આવશે. આવી શાળાઓમાં તમામ અદ્યતન માળખાકીય સુવિધાઓ, સ્માર ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેમલેબ અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા માટે ૨૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ યોજના હેઠળ એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે ૧૮૦ કરોડના ખર્ચે ૬૦૦ પથારીની નવી મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી. આ હોસ્પિટલ માટે ચાલુ વર્ષે ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી. તેમજ ૧૦ હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે ૮૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના હેઠળ પોષણ અભિયાન અંતર્ગત ૧૦૦ ટકા સુપોષિત આંગણવાડીની સિદ્ધઇ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પોત્સાહન પુરસ્કાર યોજનાની જાહેરાત કરવામાં આવી. જે અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે ૧૨ હજાર અને ૬ હજાર તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડીને સુપોષિત કરનાર પ્રત્યેક આશા વર્કર અને એ.એન.એમને ૧૨ હજારનો પુરસ્કાર આપવામાં આવશે. આ માટે ૮ કરોડની જોગવાઈ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫૦૦ અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી શરૂ કરવામાં આવશે.

માદરે વતન યોજના હેઠળ જે તે ગામમાં શાળા, શાળાના રૂમ, સ્માર્ટ ક્લાસ, આંગણવાડી, સ્મશાન, દવાખાનું, રસ્તા, પીવાના પાણીની ટાંકી, ગામ તળાવ, ગટર વ્યવસ્થા, સામૂહિક શૌચાલય, લાયબ્રેરી, કોમ્યુનિટી હોલ, પંચાયત ઘર વગેરે જેવી સુવિધાઓ વિકસાવવા માટે દાતા દ્વારા આપવામાં આવતા દાની રકમ જેટલી જ રકમ રાજ્ય સરકાર દ્વારા ઉમેરવામાં આવશે. આ માટે ૨૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

વિદેશમાં વસતા ગુજરાતના યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આપણી માતૃભાષા, સંસ્કૃતિ અને ભવ્ય વારસાનો પરિચય મેળવી શકે તે માટે ગુજરાતને જાણો નામની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાન થવાના કેસમાં રૂ.૫૦ હજારનું વિમા કવચ આપવામાં આવતું હતું. જેને રાજ્ય સરકારે વધારીને રૂ.૧ લાખનું કર્યું છે.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ, મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી ૧ લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય સરકાર દ્વારા સીધે સીધું બેન્કોને આપવામાં આવશે. આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ ૧૯૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે ૮મી વાર બજેટ રજૂ કરીને વજુભાઇ વાળા પછીનો બીજો ક્રમ મેળવ્યો છે. હાલમાં કર્ણાટકના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા વાળા ગુજરાત સરકારનું ૧૮ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે.

Related posts

આ તારિખથી એસટી બસના પૈડા થંભી જશે : હવે ST નિગમના ત્રણ સંગઠનોએ સરકાર સામે ઉચ્ચારી ચિમકી

Charotar Sandesh

સરકાર સ્કૂલ સંચાલકો સાથે મળીને વાલીઓને લૂંટી રહી છે, NSUI કાર્યકરોની અટકાયત

Charotar Sandesh

ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના આ શહેરોમાં નાઈટ કર્ફ્‌યૂ યથાવત રાખવાનો નિર્ણય

Charotar Sandesh