ઓબામાના પુસ્તકમાં નવા ખુલાસા…
USA : ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના પુસ્તક એ પ્રોમિસ્ડ લેન્ડમાં એક પછી એક ખુલાસા કરવામાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધી, મનમોહન સિંહ અને ભારતને લઈને કરેલા ખુલાસા બાદ હવે તેમને ઓસામા બિન લાદેન અને લિબિયા પરના હુમલાને લઈને પણ અનેક ખુલાસા કર્યા છે.
ઓબામાએ જવાહરલાલ નેહરુથી લઈ ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સુધીનાનો ઉલ્લેખ કર્યો છે તો ૨૦૧૦માં ભારતના પ્રવાસ અને સોનિયા ગાંધી, રાહુલ અને મનમોહનસિંહ અંગે ખૂલીને લખ્યું હતું.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનું આ પુસ્તક ૧૭ નવેમ્બરે બજારમાં મુકાયાના પહેલાં જ દિવસે ૮.૯૦ લાખ કોપી વેચાઈ ગઈ હતી. આ પુસ્તક ૨૬ ભાષાઓમાં વિશ્વના ૫૦થી વધુ દેશમાં ઉપલબ્ધ છે. અનેક દેશોની બેસ્ટ સેલરની યાદીમાં સામેલ થઈ ગયું છે. કોર્પોરેટ સ્પીચ ઉપરાંત પુસ્તકો બરાક ઓબામાની આવકનું મુખ્ય સાધન છે. આ અગાઉ તેમણે ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર દ્વારા ૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
અમેરિકાએ ૧-૨ મે, ૨૦૧૧ની રાત્રે પાકિસ્તાનમાં છૂપાયેલા ઓસામા બિનલાદેનને ઠાર માર્યો હતો. ઓબામાએ આ વિષે પોતાના પુસ્તકમાં ટાંક્યુ છે કે, છેલ્લા ઘણા સપ્તાહથી તેઓ પોતાના વિચારેલા નિર્ણય સમેટી રહ્યા હતા. તેમની સામે મિસાઈલ એટેકનો પણ વિકલ્પ હતો. આખરે ટ્રીટી રૂમની બહાર બાસ્કેટબોલ રમતા સમયે તેમણે આખરે રેડ કરવાનું નિર્ણય લીધો. તે સમયના ઉપરાષ્ટ્રપ્રમુખ બાઈડેન રેડ અંગે ઓબામાને ફરી વિચાર કરવાનું કહેતા હતા પણ ઓબામા નિર્ણય લઈ ચૂક્યા હતા.
માર્ચ ૨૦૧૧માં જ અમેરિકાએ લિબિયા પર એરસ્ટ્રાઈક પણ કરી હતી. એર સ્ટ્રાઈક પહેલા ઓબામા બ્રાઝિલના પ્રવાસે હતા. આદેશ આપવા ઓબામાએ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ માઈકેલ મૂલેન્ડને સિક્યોર મોબાઈલ કોમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા સંપર્ક કરવાનો હતો. તેનાથી ઓબામા ધરતીના કોઈપણ ખૂણાથી વ્હાઈટ હાઉસના સંપર્કમાં રહી શકે છે. પરંતુ છેલ્લી ઘદીએ જ આ લાઈન કામ કરી રહી નહોતી. જેથી ઓબામાએ સહયોગીના સાધારણ ફોન વડે જ હુમલાનો આદેશ આપ્યો હતો.
- Naren Patel