વિહારીએ ૫૫, જ્યારે પુજારા અને પૃથ્વી બંનેએ ૫૪ રન કર્યા…
કિવિઝ માટે જેમિસને ૫, બોલ્ટ અને સાઉથીએ ૨-૨ વિકેટ લીધી…
ક્રાઈસ્ટચર્ચ : ભારત ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ક્રાઈસ્ટચર્ચ ખાતે ૨૪૨ રનમાં ઓલઆઉટ થયું છે. ભારત માટે હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ ફિફટી ફટકારતા અનુક્રમે ૫૫, ૫૪ અને ૫૪ રન કર્યા હતા. જોકે નિયમિત અંતરે વિકેટ ગુમાવતા ટીમ ઇન્ડિયા પ્રથમ દિવસે ૬૩ ઓવરમાં ઓલઆઉટ થઇ હતી અને ૨૫૦ રનનો આંક વટાવી શકી નહોતી. મયંક અગ્રવાલ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણે સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ માટે કાઇલી જેમિસને ૫, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ ૨-૨ અને નીલ વેગનરે ૧ વિકેટ લીધી હતી.
ભારતનો એક સમયે સ્કોર ૧૯૪/૪ હતો. જોકે વિહારી અને પુજારા આઉટ થતા ટીમ ધાર્યા કરતા ઓછા સ્કોરમાં ઓલઆઉટ થઇ હતી. મોહમ્મદ શમી ૧૬ અને જસપ્રીત બુમરાહ ૧૦ રન અંતિમ વિકેટ માટે ૨૬ રનની ભાગીદારી કરી હતી. અંતિમ ૬માંથી ૪ વિકેટ જેમિસને લીધી હતી. પોતાની બીજી ટેસ્ટમાં તેણે કરિયરમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં ૫ વિકેટની સિદ્ધિ પોતાના નામે કરી છે.
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં નિષ્ફળ રહેલ ટીમ ઇન્ડિયાના ઓપનર પૃથ્વી શો એ બીજી ટેસ્ટમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાનારા બીજી ઈનિંગ્સના બીજા અને અંતિમ મેચમાં પૃથ્વી શોના બેટથી અર્ધશતક ફટકારવામાં આવ્યુ હતુ. પૃથ્વી શોએ ૬૪ બોલમાં ૫૪ રનની ઇનિંગ્સ રમી છે.
શોએ તેની ઇનિંગ્સમાં આઠ ચોકા અને એક છક્કો માર્યો હતો. આ પહેલો વેલિંગ્ટનમાં રમાયેલ પહેલી ટેસ્ટમાં પૃથ્વી શો પહેલી ઇનિંગ્સમાં ૧૬ રન બનાવી, બીજી ઇનિંગ્સમાં ૧૪ રન બનાવી આઉટ થયો હતો.