-
મુંબઇની આર્થર રોડ જેલ નિરવ માટે એકદમ ફીટઃ લંડન કોર્ટ
-
નીરવ મોદીની માનસિક સ્વાસ્થ્યવાળી દલીલને કોર્ટે નકારી
-
ભારત પ્રત્યાર્પણના મામલે બ્રિટનનાં ગુજરાતી મૂળના ગૃહમંત્રી પ્રિતી પટેલ અંતિમ મહોર મારશે
લંડન : PNG કોભાંડમાં વોન્ટેડ હીરા કારોબારી નીરવ મોદીના ભારત પ્રત્યર્પણ પર બ્રિટનની કોર્ટમાં ગુરુવારે અંતિમ સુનાવણી થઈ. તેમાં કોર્ટે નીરવને ભારત મોકલવાની મંજૂરી આપી છે.
જજે કહ્યું કે, નીરવ મોદીને ભારત મોકલવામાં આવશે તો એવું નથી કે ત્યાં ન્યાય નહીં મળે. કોર્ટે નીરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની વાતને પણ ફગાવી દીધી છે. કહ્યું છે કે, એવું લાગતું નથી કે તેને કોઈ તકલીફ હોય. કોર્ટે મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર ૧૨ને નીરવ મોદી માટે પરફેક્ટ ગણાવી છે. તે સાથેજ કહ્યું છે કે, ભારત પ્રત્યર્પણ થશે તો પણ તેને ત્યાં ન્યાય મળશે જ.
પંજાબ નેશનલ બેંકા ૧૪ હજાર કરોડથી વધારે લોનની છેતરપિંડીના આરોપી નીરવ મોદી અત્યારે લંડનની વાંડ્સવર્થ જેલમાં બંધ છે. તેને પ્રત્યર્પણ કરી ભારત લાવવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. કોર્ટના ચુકાદા બાદ આ અંગે અંતિમ મંજૂરી માટે આ કેસ બ્રિટનના ગૃહ મંત્રી પ્રીતિ પટેલ પાસે જશે. જ્યારે આ અંગે અંતિમ મંજૂરી મળી જશે.
પરંતુ આ ચુકાદા બાદ પણ ભારતીય તપાસ એજન્સીઓ અને નીરવ મોદીની પાસે હાઈકોર્ટમાં અપીલ કરવાની તક હશે. જેમાં માનવામાં આવી રહ્યું છે કે આ મામલાની સુનાવણી હજુ લાંબી ચાલી શકે છે. નીરવ મોદીને પ્રત્યર્પણ વોરંટ પર ૧૯ માર્ચ ૨૦૧૯ના ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યર્પણ મામલાના સિલસિલામાં થયેલી ઘણી સુનાવણી દરમિયાન તે વોન્ડ્સવર્થ જેલમાં વીડિયો લિંક દ્વારા સામેલ થયો હતો.
નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ બેંક અધિકારીઓ સાથે મળી પંજાબ નેશનલ બેંકમાં આશરે રૂપિયા ૧૪ હજાર કરોડથી વધારે લોનની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી ગેરન્ટી પત્ર મારફતે કરવામાં આવી હતી. તેની ઉપર ભારતમાં બેંકને લગતી ગેરરીતિ અને મની લોન્ડ્રિંગ હેઠળ બે મુખ્ય કેસ સીબીઆઇ અને ઇડીએ દાખલ કરેલા છે. આ ઉપરાંત અન્ય કેસમાં પણ તેની સામે ભારતમાં કેસ નોંધાયેલ છે. નીરવ મોદીએ તેના પ્રત્યાર્પણના આદેશ સામે બ્રિટનની કોર્ટમાં સ્ટે માગ્યો છે.