Charotar Sandesh
ઈન્ડિયા

ભાવવધારાનો ડામ, રાહત પેકેજનો મલમ : પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો મોંઘવારીની આગ ભડકાવશે…

એક બાજુ સરકાર રાહત પેકેજનો મલમ લગાડે છે તો બીજી તરફ ભાવ વધારાનો ડામ આપી રહી છે : સામાન્ય માણસમાં ભયંકર રોષ…

પેટ્રોલનો ભાવ ૮૦ સુધી વધવાની ધારણાઃ ડીઝલના ભાવ વધવાથી પરિવહન મોંઘુ થતા અનાજ-શાકભાજી સહિત દરેક ચીજવસ્તુના ભાવો ભડકે બળશેઃ ટેકસી-બસ ભાડા-ટ્રક ભાડા વધશેઃ મધ્યમ વર્ગનું માસિક બજેટ ખોરવાયું…

એક તરફ દેશમાં કોરોના બિહામણી રીતે ધૂણી રહ્યો છે અને પ્રજા હેરાનપરેશાન છે ત્યારે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી આમઆદમીની પરેશાનીમાં વધારો કરી રહી છે. છેલ્લા ૧૦ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા પ્રજામાં ભયંકર રોષ ફાટી નીકળ્યો છે અને લોકો સવાલ પૂછવા લાગ્યા છે કે કપરા સમયમાં અમારો વાંક શું ? અમારો ગુન્હો શું ? સરકાર એક તરફ રાહત પેકેજનો મલમ લગાડી રહી છે તો બીજી તરફ ભાવ વધારાનો ધગધગતો ડામ આપતા પ્રજામાં રાડ બોલી ગઈ છે. ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો થતા તમામ ચીજવસ્તુઓના ભાવો ભડકે બળે તેવી શકયતા છે અને પ્રજાનું માસિક બજેટ અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા કેટલા અંશે વ્યાજબી છે ? તેવો સવાલ પણ પ્રજા પૂછી રહી છે.

છેલ્લા ૧૦ દિવસથી પેટ્રોલ અને ડીઝલ ભાવ એકધારા વધી રહ્યા છે. ગઈકાલે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલમાં બે – બે રૂપિયાનો વધારો જાહેર કર્યો છે જે આજથી અમલમાં આવી ગયો છે. જે પછી પેટ્રોલનો ભાવ ૭૪.૩૩ અને ડીઝલનો ભાવ ૭૨.૬૭ થઈ ગયો છે. દરમિયાન આજે પણ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ ભાવ વધાર્યા છે. આજે પેટ્રોલમાં ૪૭ પૈસા અને ડીઝલમાં ૫૭ પૈસાનો વધારો થયો છે. એ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હવે ૭૬.૭૩ રૂ. થયો છે તો ડીઝલનો ભાવમાં ૭૫.૧૯ રૂ. થયો છે. હજુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળે તેવી સંભાવના નથી. આ મહિનાના અંત સુધીમાં પેટ્રોલનો ભાવ ૮૦ રૂ. પ્રતિ લીટર થઈ જાય તેવી શકયતા છે. હજુ પેટ્રોલ અને ડીઝલમાં ૪ થી ૫ રૂ.નો વધારો થઈ શકે છે. અત્યારે રોજ ૫૦ થી ૬૦ પૈસા વધે છે જે ઘટીને ૩૦ થી ૪૦ પૈસા થઈ જશે. ૮૩ દિવસ કોઈ ભાવ વધારો ન કર્યા બાદ ૧૦ દિવસથી કંપનીઓ સતત ભાવ વધારી રહી છે. એવામા ગુજરાત સરકારે પોતાની તિજોરી ભરવા બે – બે રૂ.નો ભાવ વધારો ઝીંકી દીધો છે અને પ્રજાને પડયા પર પાટુ માર્યુ છે.  છેલ્લા ૧૦ દિવસમાં ડીઝલમાં રૂ. ૫.૮૦ તો પેટ્રોલમાં રૂ. ૫.૪૫ પ્રતિ લીટર વધ્યા છે અને એ પણ ક્રૂડના ભાવ ઘટાડો થઈ રહ્યો છે ત્યારે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થશે અને તેના કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવો ભડકે બળશે. શાકભાજીથી માંડી અનાજના ભાવોમાં વધારો થઈ જશે. બસ ભાડા, ટેકસી ભાડા, ટ્રક ભાડા વગેરેમાં આગામી દિવસોમાં વધારો થવાને કારણે ચીજવસ્તુઓના ભાવો વધી જશે. પેટ્રોલનો ભાવ વધારો સામાન્ય માણસ માટે સમસ્યા લઈને આવ્યો છે. સામાન્ય માણસના ઈંધણના બજેટ હવે વેરવિખેર થઈ જવાના છે.

Related posts

યુકેથી ભારત આવતા પ્રવાસીઓએ ક્વોરન્ટી ફરજિયાત : ૪ ઓક્ટોબરથી અમલ

Charotar Sandesh

આમ આદમી પાર્ટીએ 2015મા કરેલા વાયદાઓમાંથી 96% પૂરા નથી કર્યા: થિંકટેંક

Charotar Sandesh

કોરોના મહામારી : CBSEની ધો.૧૦-૧૨ની જુલાઇમાં યોજાનાર પરીક્ષા રદ્દ…

Charotar Sandesh