“એની આંખોમાં મારી આંખો …
મારી આંખોમાં એની આંખો…
જે ગણો તે, મારા મહીં એનો દરિયો આખો…”
માનવ સમાજમાં, કે પશુ – પંખીના સમાજમાં ‘માં’ એક શબ્દ નથી પરંતુ જે તે સમાજના અસ્તિત્વનો ધબકતો પાયો છે. પ્રકૃતિમાં દૂર દૂર સુધી નજર દોડાવશો તો થાકી જશો પણ ક્યાંય ‘માં’ ના અસ્તિત્વ વગર કોઈ અસ્તિત્વ આ પૃથ્વી પર અવતર્યુ હોય કે વિસ્તર્યુ એવું શકય બન્યું જ નથી. તો શું આપણે આપણા અસ્તિત્વનું આવડું મોટું ૠણ માત્ર મધર્સ ડે ઉજવીને જ ચુકવવાનું છે! એ સિવાય બીજો કોઇ રસ્તો નથી? છે મિત્રો રસ્તો છે અને એ પણ ‘માં’ ના ઉચ્ચાર જેટલો જ મીઠો અને સુંદર મજાનો રસ્તો છે.
પહેલો રસ્તો માં એ જ્યારે આપણે જન્મયા ત્યારથી શરૂઆત ના પાંચ-દશ વર્ષ આપણને જે રીતે સાચવ્યાં ઉછેર્યા એવા જ વ્હાલથી આપણે આપણી માં ને એના જીવનના ઉત્તરાર્ધમાં સાચવીએ. અને બીજો રસ્તો કોઇ પશુ – પંખી કે માનવનું જીવન એની માં ના અસ્તિત્વ વગર અધુરું હોય તો આપણે પુરુષ હોઇએ કે સ્રી આપણું માતૃત્વ તેને આપીએ અને આપણું તથા એનું જીવન મધુર બનાવીએ.અને ત્રીજો રસ્તો છે પ્રકૃતિની માતાઓ નદી અને ધરતી છે એનું સંવેદનશીલતાથી જતન કરીએ. આ ત્રણેય રસ્તા અઘરાં નથી પણ હા એ માટે મક્કમ નિર્ધાર જોઇએ. જે આજના દિવસે કરી શકાય.
અને છેલ્લે એક વિચાર આવે છે કે, માત્ર માનવ સમાજની જ વાત કરીએ તો જો માં ના ભાવ નું અસ્તિત્વ ન હોત તો પ્રેમ, કરુણા, સંવેદનશીલતા, સહિષ્ણુંતા, સહનશીલતા, ઉદારતા, વાત્સલ્ય, લાગણીશીલતા, ધીરજ જેવા રંગો માનવજીવનમાં ન હોત. મારા મૃત્યુ કરતાં મારા જીવનને ચઢિયાતું બનાવવાં અને જીવન કરતાં મૃત્યુને ચઢિયાતું બનાવવા મારા જીવનમાં મારે મારી માં ની જરૂર છે .
-
એકતા ઠાકર – મુખ્ય શિક્ષક બામણગામ પ્રાથમિક કન્યા શાળાતાલુકો : આંકલાવ, જિલ્લો : આણંદ