મહેસાણા : હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં નવું એપીએમસી બનવા જઇ રહ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી વડનગરમાં એપીએમસી બંધ હતી. ત્યારે સીએમ રૂપાણીએ ૨૦૧૭માં નવી એપીએમસી બનાવવાની જાહેરાત કરી હતી. તેના ભાગરૂપે એક માસમાં વડનગરમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવી શકે છે. તમને જણાવીએ કે વડનગરમાં ૧૯૬૫થી એપીએમસી માર્કેટયાર્ડ કાર્યરત હતું. પરંતુ વિવાદોના કારણે છેલ્લા ૧૫ વર્ષોથી ત્યાં બંધ હાલતમાં પડી છે.
એવું જાણવા મળી રહ્યું છે કે વડનગરમાં બનેલ માર્કેટયાર્ડ જે જગ્યા પર બનાવવામાં આવ્યું હતું એ જગ્યા એનએ થયેલી ન હતી. તેના કારણે વિવાદોમાં ફસાઈ હતી. પરંતુ હવે ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલના પ્રયત્નોથી અને રાજ્ય સરકારે આપેલા વચનને લીધે હવે માર્કેટયાર્ડની આ જગ્યાની એનએ પરવાનગી આપવામાં આવી છે. જેથી હવે આગામી એક મહિનામાં અહીં નવીન એપીએમસી માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં હવે રાજ્ય સરકાર એક નવું એપીએમસી ઉમેરવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં ૧૫ વર્ષથી એપીએમસી બંધ છે. ત્યારે વર્ષ ૨૦૧૭માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બંધ એપીએમસીને શરૂ કરવા માટે હાંકલ કરી હતી. વડનગરના લોકોને હવે નવીન એપીએમસીનું વચન આપ્યું હતું. ત્યારે હવે એક મહિનામાં અહીં એપીએમસીનું નવીનીકરણ થશે.