મુંબઈ : ‘યશ રાજ પ્રોડક્શન’ હેઠળની રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘જયેશભાઇ જોરદાર’નું શૂટિંગ પૂરું થઇ ગયું છે. ફિલ્મ ગુજરાતમાં સેટ છે અને તેમાં હ્યુમર ભરપૂર માત્રામાં છે. આ ફિલ્મને ડેબ્યુ રાઇટર અને ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરે લખી અને ડિરેક્ટ કરી છે. દિવ્યાંગ ઠક્કર અગાઉ ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર જેવી’ સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યો છે. આ ફિલ્મના પ્રોડ્યૂસર મનીષ શર્મા છે. ફિલ્મના પ્રોડ્યૂસર મનીષ શર્માએ ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં તેમણે રણવીર સાથે બીજી વખત કામ કર્યું છે. રણવીરે ટીમ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું કે, ‘ઇટ્સ અ રેપ. મનીષ સર, બેન્ડ બાજા બારાતથી જયેશભાઇ જોરદાર સુધી તમારા માર્ગદર્શન હેઠળના ૧૦ વર્ષ અદભુત રહ્યા. દિવ્યાંગ, તું પ્રેમ અને પોઝિટિવ એનર્જીનો ભંડાર છે. આભાર મને તારો જયેશ બનાવવા માટે.’
ફિલ્મમાં રણવીર ગુજરાતી વ્યક્તિ જયેશભાઇના રોલમાં છે. રણવીર સિંહે અગાઉ સંજય લીલા ભણસાલીની ‘રામલીલા’ ફિલ્મમાં પણ એક ગુજરાતીનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ હવે ‘જયેશભાઇ જોરદાર’ ફિલ્મમાં બીજી વખત તે ગુજ્જુના રોલમાં જોવા મળશે. ‘જયેશભાઇ જોરદાર’ ફિલ્મમાં રત્ના પાઠક શાહ રણવીરની માતાના રોલમાં છે જ્યારે બોમન ઈરાની તેના પિતાના રોલમાં છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ ‘અર્જુન રેડ્ડી’ ફેમ શાલિની પાંડે છે.