દેશના કુલ સક્રિય કેસો પૈકી ૭૫ ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં…
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણ વિરુદ્ધ દેશભરમાં રસીકરણનો બીજો તબક્કો મંગળવારથી શરુ કરાયો હતો. જે અંગે માહિતી આપતાં સ્વાસ્થ મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું કે મંગળવાર બપોર સુધી દેશમાં કુલ ૧.૪૮ કરોડથી વધુ વેક્સીન ડોઝ આપી ચૂકાયા હતા. જેમાં ૨.૦૮ લાખ એવા વેક્સીન ડોઝ એવા લોકોને આપવામાં આવ્યા હતા જેમની ઉંમર ૪૫થી ૫૯ વર્ષ સુધીની હતી.
આ સિવાય દેશમાં શરુ થયેલા રસીકરણ અભિયાનના બીજા તબક્કાના એક દિવસ પહેલાથી જ દેશભરમાં વેક્સીનેશન માટે કોવિન એપ પર ૫૦ લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી લીધી હતી.
જોકે રસીકરણ વચ્ચે દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસોની સ્થિતિ વિશે જણાવતાં નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે જણાવ્યું કે કોરોના સંક્રમણ સામે બચાવ માટે જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટેન્સિંગ અને કોવિડ ગાઇડલાઇનનું ચોક્કસપણે પાલન કરવુ જરુરી છે. દેશમાં વધી રહેલા સંક્રમણના કેસોને મુદ્દે તેમણે સલાહ આપી હતી કે, મોટા કાર્યક્રમો, પાર્ટીઓ, લગ્નો વગેરેમાં જવાથી બચો, કારણ કે આવા કાર્યક્રમો મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાવાનું કારણ બની શકે એમ છે.
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ વિશે માહિતી આપતાં સ્વાસ્થ મંત્રાલયના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, દેશના કુલ સક્રિય કેસોમાંથી ૭૫ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે. જ્યારે દેશમાં કુલ સક્રિય કેસનો આંકડો ૧,૬૮,૦૦૦ છે. આ સિવાય પણ દેશના અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો હતો. તેમણે આપેલી માહિતી મુજબ દેશમાં અત્યાર સુધી ૨૧ કરોડથી વધુ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. દેશભરમાં કોવિડથી મૃત્યુનું પ્રમાણ ૧.૪૧ ટકા હતું.