અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદમાં કેસો વધતા પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. પોલીસ ડ્રોન, રોડ પર સીસીટીવી ફૂટેજ વગેરેથી લોકો દેખાય તો ગુનો નોંધે જ છે પરંતુ હબે સોસાયટીમાં લાગેલા સીસીટીવી ફૂટેજ જોઈને પણ ગુનો નોંધી રહીં છે. વસ્ત્રાપુરના નીલદીપ એપાર્ટમેન્ટમાં પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા પાર્કિગમાં ચાર લોકો બેઠા હતા. જેમની સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે સ્વાગત એપાર્ટમેન્ટના ધાબા પર બેસી કેરમ રમતાં ૪ શખ્સની પણ ધરપકડ કરી હતી.
વસ્ત્રાપુર વિસ્તારમાં પોલીસ ડ્રોન, રોડ પર પેટ્રોલિંગ-ચેકિંગ તેમજ સીસીટીવી ફુટેજથી નજર રાખે છે ત્યારે હવે સોસાયટીમાં જઈ સીસીટીવી ફૂટેજ જોઈ રહી છે. નીલદીપ એપાર્ટમેન્ટમાં સીસીટીવી ફૂટેજ જોતા ચાર શખ્સ સાંજના સમયે પાર્કિગમાં બેઠેલા જણાતા આસપાસમાં તેમની વિશે પૂછપરછ કરી હતી. ફ્લેટમાં જ રહેતા નયન શાહ, યગ્નેશ શાહ, અમિત શાહ અને મહેશ પટેલ હોવાનું જાણવા મળતા પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે વસ્ત્રાપુર સ્વાગત એપાર્ટમેન્ટ પાસે પોલીસ ડ્રોન ઉડાડી તપાસ કરતી હતી ત્યારે ફ્લેટના ધાબા પર ચાર લોકો કેરમ રમતા દેખાયા હતા જેથી પોલીસે ઓળખ કરી કૃણાલ, જયનીત ગોસ્વામી, ધૈર્ય શાહ અને હર્ષ નામના વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.