ગાંધીનગર : ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે તાઉ તે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. તાઉ તે વાવાઝોડાના વિનાશને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ કરીને ગુજરાત માટે ૧૦૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જો કે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ હવાઈ નિરીક્ષણ અને કોરોના મહામારીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેની સામે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કરીને કોવિડ મહામારીમાં ગુજરાતને અન્યાય થયાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ રાજ્યમાં ઓક્સિજનની અછત અને યોગ્ય સમયે દવા ન મળવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો. સોલંકીએ કહ્યું કે, પ્રધાનમંત્રી હવાઈ યાત્રા કરીને નીકળી ગયા.
ભરતસિંહ સોલંકીના ટ્વીટ પર ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટ્વીટથી જવાબ આપ્યો હતો. પ્રદિપસિંહે લખ્યું કે, વાવાઝોડું પૂર્ણ થયાના બીજા જ દિવસે પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. હવાઈ નિરીક્ષણ બાદ તુરંત જ ૧ હજાર કરોડની સહાય જાહેર કરી હતી. યુપીએ હોત તો તમારા પ્રધાનમંત્રી ગુજરાત આવ્યા હોત? તેવો સવાલ પણ પ્રદિપસિંહ જાડેજાએ પુછ્યો હતો.