Charotar Sandesh
ઈન્ડિયા

વિમાન સેવા ફરી શરૂ કરવાનો મહારાષ્ટ્ર, છત્તીસગઢનો ઈનકાર…

મહારાષ્ટ્રે ૩૧ મે સુધી ઘરેલૂ ઉડાણના સંચાલન પર રોક લગાવી…

મુંબઇ/રાયપુર : બે મહિનાના લોકડાઉન બાદ ભારતમાં સ્થાનિક વિમાન સેવા શરૂ થવાની તૈયારીમાં છે. ૨૫ મે, સોમવારથી આની શરૂઆત થવાની છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલી ફ્લાઈટ ૨૫ મેની સવારે ૪.૩૦ વાગ્યે રવાના થશે.
પહેલા ચરણમાં ૨,૮૦૦ ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સ શરૂ કરવાનો કેન્દ્ર સરકારનો પ્લાન છે. પરંતુ, મહારાષ્ટ્ર રાજ્યએ વિમાન સેવા શરૂ કરવાનો ઈનકાર કરી દીધો છે. આને કારણે આ રાજ્યમાંથી વિમાન સફર શરૂ કરવાની ઈચ્છા રાખતા લોકોને આંચકો લાગ્યો છે.
મહારાષ્ટ્ર સરકારે સ્થાનિક ફ્લાઈટ્‌સ શરૂ કરવા પર મૂકેલો પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. આવો જ ઈનકાર છત્તીસગઢ સરકારે પણ કર્યો છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.
મહારાષ્ટ્ર સરકારના એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે લોકડાઉન વિશે ૧૯ મેના ઓર્ડરને મહારાષ્ટ્ર સરકારે હજી સુધાર્યો નથી. તે ઓર્ડરમાં માત્ર ચોક્કસ પ્રકારની ફ્લાઈટ્‌સ ચાલુ કરવાની જ પરવાનગી અપાઈ છે. ઘરેલુ ફ્લાઈટ્‌સ માટેની નહીં.
તે ઓર્ડરમાં રાજ્ય સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેનું લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવાની જાહેરાત કરી છે. માત્ર ડોમેસ્ટિક મેડિકલ સેવાઓ, ડોમેસ્ટિક એર એમ્બ્યુલન્સ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંજૂર કરેલા સુરક્ષા હેતુઓ માટે જ વિમાન સેવા મહારાષ્ટ્રમાં ચાલુ કરવા દેવામાં આવી છે. આ સિવાય તમામ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ પર પ્રતિબંધ છે.

Related posts

આ સંપત્તિમાં રોકડ રકમ ઉપરાંત ફ્લેટ-જમીનના પ્લોટનો સમાવેશ પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાને ત્યાં ઇડીના દરોડાઃ ૩.૬૮ કરોડની સંપત્તિ જપ્ત

Charotar Sandesh

અમેરિકા ભારતને સૌથી ઘાતક એમક્યુ-૯એ રીપર ડ્રોન આપશે…

Charotar Sandesh

વિશાખાપટ્ટનમમાં ખાનગી કંપનીમાં ઝેરી ગેસ ગળતરથી આઠના મોત, અનેકની અસર…

Charotar Sandesh