૩ ક્લસ્ટર રદ કરાયા અને ૧૫ જેટલા ક્લસ્ટર વિસ્તારને પાલિકાએ નાના કરી દીધા
સુરત : શહેરના ૫૮ વિસ્તારોમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધુ જણાતા તે વિસ્તારને વિવિધ જાહેરનામાં પ્રસિદ્ધ કરી ક્લસ્ટર જાહેર કરાયા હતાં. આ ક્લસ્ટર વિસ્તારોમાં ૨૮ દિવસ સુધી કેસ નહી નોંધાયા હોય તેવા વિસ્તારોના ક્લસ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. તમામ ઝોનમાં એવા ક્લસ્ટર વિસ્તારોમાં નાના મોટા ફેરફાર કરાયા છે. જેમાં અઠવા અને રાંદેર ઝોનના ત્રણ ક્લસ્ટરને સંપૂર્ણ દૂર કરી દેવાયા છે. જ્યારે સેન્ટ્રલ ઝોનને બાદ કરતા મોટાભાગના ક્લસ્ટરને નાના કરી દેવાયા છે. પાલિકાની ક્લસ્ટર રિકન્સ્ટ્રક્શનની કામગીરીના કારણે ચાર લાખથી વધુ લોકો ક્લસ્ટરમાંથી મુક્ત કરી દેવાયા છે.
મેયર, ડે.મેયર, સ્થાયી ચેરમેન, અન્ય પદાધીકારીઓ, કમિશનર અને અધિકારી સાથે ચર્ચા વિચારણા થઈ હતી. અને જે વિસ્તારમાં છેલ્લા ૨૮ દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નહીં હોય તેવા વિસ્તારને કલસ્ટરમાંથી મુક્તિ આપી રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જે મુજબ સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી ટેક્ષટાઈલ માર્કેટ, ઇન્ડસ્ટ્રીયલ એરિયા, મહીધરપુરા હીરા બજાર વિસ્તારને ક્લસ્ટરમાંથી મુક્ત કરવામાં આવી છે. પરંતુ આ વિસ્તારના તમામ વેપારીઓ તથા અન્ય લોકોએ કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનો સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. અન્ય ઝોનમાં પણ ઉપર મુજબ જે વિસ્તારમાં છેલ્લા ૨૮ દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હોય તેવા વિસ્તારમાં કલસ્ટરમાં ફેરફાર કરી રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ હવે પછી પણ શહેરના આ વિસ્તાર કે અન્ય કોઈપણ નવા વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાશે તો તે વિસ્તારને ક્લસ્ટર તરીકે જાહેર કરવામાં આવશે. કોરોના વાઈરસની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા, ફરજીયાત માસ્ક પહેરવા તથા સેનિટાઈઝરથી નિયમિત હાથ સાફ કરવા તેમજ કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
કલસ્ટરમાં એક એરિયામમાં ૨૮ દિવસ સુધી કોઈ કેસ નથી નોંધાયો તો તે એરિયાને ક્લસ્ટરમાંથી બાકાત કરીએ છીએ. અને ક્લસ્ટરમાંથી તેને રેડ ઝોનમાં મુક્યા છે અને જો તેમાં કેસ આવી જાય તે ફરીથી તે વિસ્તારને ક્લસ્ટરમાં લઈ લેવાશે તેથી ક્લસ્ટર મુક્ત થયેલા વિસ્તારના લોકોએ ખાસ તકેદારી લેવાની જરૂર છે અને નિયમોનું ચૂસ્ત પાલન કરવાનું રહેશે. આ રેડ ઝોનમાં પણ જો ૨૮ દિવસ સુધી કોઈ કેસ નહીં આવે તો તે ઓરેન્જ ઝોનમાં લેવાશે. અને કેસ આવે તો રેડ ઝોનમાં, રેડ ઝોનમાં અત્યારે કોઈ પ્રતિબંધ નથી. વેસુ, ઉગત અને રાંદેરના વિસ્તારો આખા કલસ્ટર મુક્ત થયા છે. જ્યારે ટેક્ષટાઈલ માર્કેટ, હિરાબજારમાં કોવિડ-૧૯ નિયમ પ્રમાણે ધંધો શરૂ કરી શકાશે તેમ પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.
મહાનગરપાલિકા દ્વારા જૂના ૧૭ ક્લસ્ટરમાંથી ક્લસ્ટર વિસ્તારને રદ કરવામાં આવ્યા છે. સાથે નવા બે ક્લસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. આ સાથે ૧૫ જેટલા ક્લસ્ટર વિસ્તારને નાના કરવામાં આવ્યો છે. ઉધના અને કતારગામ ઝોનમાં બે નવા ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. ઉધના ઝોનમાં શાસ્ત્રીનગર વિસ્તાર ક્લસ્ટર જાહેર કરી લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટીન રહેવા આદેશ કર્યો છે. જ્યારે કતારગામ ઝોનમાં અગાઉ ક્લસ્ટર જાહેર કરાયું હતું તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રઘુવીર સોસાયટી, વર્ધમાન પાર્ક, સતાધાર સોસાયટી, શિવમ રો હાઉસ, મનીષા સોસાયટીમાં રહેતા લોકોને ફરજિયાત હોમ ક્વોરન્ટીન કરાયા છે.