દુશ્મન સાવધાન : સર્વધર્મ પૂજા સાથે વાયુસેનામાં ‘રાફેલ’ સામેલ…
ભારતને આંખો દેખાડનારા લોકો માટે રાફેલ કડક સંદેશ છે,એરફોર્સમાં રાફેલનું સામેલ થવું તે દુશ્મન દેશોને ચેતવણી સમાન,અમારો ઉદ્દેશ્ય હંમેશા વિશ્વ શાંતિ માટેનો જ રહ્યો છેઃ રાજનાથ સિંહ
આ પ્રંસગે રાજનાથ સિંહ, સીડીએસ રાવત, વાયુસેના પ્રમુખ ભદોરિયા સહિત ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન પણ હાજર રહ્યા
અંબાલા : ભારતીય વાયુસેનામાં પાંચ રાફેલ ફાઇટર જેટને ગુરૂવારે અંબાલા એરફોર્સ બેઝ પર ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ફ્રાંસના રક્ષાપ્રધાન ફ્લોરેન્સ પાર્લી, પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવત, વાયુસેના પ્રમુખ આર. કે.એસ ભદોરિયા અને રક્ષા સચિવ અજય કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાફેલ વિમાનને વાયુસેનામાં સામેલ કરવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ફ્રાસંના રક્ષાપ્રધાન ફલોરેંસ પાર્લી સર્વધર્મ પૂજામાં સામેલ થયા હતા. અંબાલા એરબેઝ ખાતે ફ્લાઇપોસ્ટ દરમિયાન રાફેલ ફાઇટર એરક્રાફ્ટે ધીમી ઝડપે ઊડીને એર ડિસ્પ્લે કર્યું હતું. રાફેલ ફાઇટર જેટ્સને વોટરકેનન સેલ્યૂટ પણ કરવામાં આવ્યું હતું. ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે આ સિદ્ધિ ભારત માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે.
આ સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે સંબોધન કર્યું હતું. રક્ષામંત્રી રાજનાથ સિંહે સંબોધનમાં કહ્યું હતું કે, સર્વપ્રથમ હું ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લીનું હું મારા અને મારા દેશવાસીઓ વતી હાર્દિક સ્વાગત કરું છું.આ પ્રસંગે તમારી હાજરી વર્ષોથી ચાલતા અમારા મજબૂત સંરક્ષણ સહયોગને પ્રતિબિંબિત કરે છે. આ સમારોહમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પર્લીએ સંબોધન કર્યું હતું. રાજનાથે પોતાના સંબોધનમાં ઇશારા-ઈશારામાં ચીનને આકરો સંદેશ આપતા કહ્યું કે અમારા સાર્વભૌમત્વ પર નજર રાખનાર લોકો માટે રાફેલનો સમાવેશ મહત્વનો છે. રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં અમે દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતા સાથે સમાધાન કરીશું નહીં. રાજનાથ સિંહે વધુમાં કહ્યું હતું કે,એરફોર્સમાં રાફેલનું સામેલ થવું તે દુશ્મન દેશોને ચેતવણી સમાન ગણાવ્યું હતું.
રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે અમારી સરહદ પર જે પ્રકારનો માહોલ વર્તમાનમાં બન્યો છે અથવા તો સીધે-સીધું કહું તો બનાવવામાં આવ્યો છે, તેમના માટે, એરફોર્સમાં રાફેલનો આ સમાવેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રાદેશિક અખંડિતતા જાળવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પણ આ એક ઉદાહરણ છે. બદલાતા સમય સાથે, આપણે પણ પોતાની જાતને તૈયાર કરવી પડશે.રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે ’આજે આપણે જે તાકાત જોઇ શકીએ છીએ, તે વડાપ્રધાનની પ્રબળ ઇચ્છાશક્તિનું પરિણામ છે. અમારો ઉદ્દેશ્ય હંમેશા વિશ્વ શાંતિ માટેનો જ રહ્યો છે અને અમે ક્યારેય એવું કોઈ પગલું લીધું નથી જે શાંતિ ભંગ કરે.
૨૯ જુલાઇએ પાંચ રાફેલ વિમાનની પ્રથમ ખેપને ભારત લાવવામાં આવ્યા હતા. ભારતે લગભગ ૪ વર્ષ આગાઉ ફ્રાંસથી ૫૯,૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ વિમાનની ખરીદી કરી હતી. ભારત માટે વિશેષરૂપે બનાવવામાં આવેલા ૩૬ રાફેલ વિમાનમાં અતિ આધુનિક મીકા, મીટિયોર અને સ્કાલ્પ મિસાઇલોથી સજ્જ છે.