મુંબઈ : ખિલાડી અક્ષય કુમારે તેની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મના નિર્દેશક ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આ વાતની પુષ્ટિ આપી છે. તેમણે કહ્યું, ‘હા, અમે યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં ‘પૃથ્વીરાજ’ માટેનું શૂટિંગ શરૂ કર્યું છે અને આખી ટીમ શૂટિંગના શેડ્યૂલ માટે રોમાંચિત છે. એક સૂત્રએ માહિતી આપી હતી કે અક્ષયે ૧૦મી ઓક્ટોબરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તાજેતરમાં તેમના પર કામનું દબાણ અત્યંત વધારે છે.
સૂત્ર અનુસાર, ‘સોનુ સૂદે પણ ૧૦મી તારીખથી શૂટિંગ શરૂ કરી દીધું છે. ટીમ નોન સ્ટોપ કામ કરી રહી છે, જેથી બધી વસ્તુઓ સમયસર અને આપેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને પૂર્ણ થાય.’ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સહ-કલાકાર સંજય દત્ત અને માનુષી છિલ્લર પર ફરી એક વાર શૂટિંગ શરૂ કરશે. માનુષી ટીમ સાથે ૧૩મી ઓક્ટોબરથી જોડાશે, જ્યારે સંજય દત્ત દિવાળી બાદ શૂટિંગમાં પરત ફરશે.
તાજેતરમાં જ અક્ષય કુમાર અને કિયારા અડવાણી સ્ટારર ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થયું હતું. આ હોરર-કોમેડી ફિલ્મમાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિની આત્મા તેનો બદલો લેવા અક્ષયના પાત્રને પોતાના વશમાં કરતી જોવા મળે છે. ટ્રેલરમાં કોમેડી સીનની સાથે સાથે ડ્રામા પણ છે, જેણે લોકોને અત્યંત પ્રભાવિત કર્યા છે.