મુંબઈ : બોલિવૂડ અભિનેતા અનિલ કપૂર અને જેકી શ્રોફની સુપરહિટ જોડી ફરી એક વાર સિલ્વર સ્ક્રીન પર જોવા મળી શકે છે. બોલિવૂડના રામ-લખન એટલે કે જેકી શ્રોફ અને અનિલ કપૂરે રામ-લખન, પરિન્દા, કાલા બજાર, કર્મા, અંદર બહાર, યુદ્ધ, ૧૯૪૨ અ લવ સ્ટોરી, ત્રિમૂર્તિ, લજ્જા જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અનિલ અને જેકીની જોડી ફરી સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળી શકે છે. તાજેતરમાં અનિલ કપૂરે બીચ પર દોડતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો,
જેના પર જેકી શ્રોફે ફાયર ઇમોજી શેર કરી હતી. અનિલે જેકીની કોમેન્ટનો જવાબ આપતા લખ્યું, ‘અમારી આગામી ફિલ્મ માટે તૈયાર થઈ જાવ, ટીમ તેના પર કામ કરી રહી છે. ત્યારબાદ જેકીએ ચેટનો સ્ક્રીનશોટ શેર કરીને હા સૂચવતા અંગૂઠાનું ઇમોજી શેર કર્યું હતું. તેમણે લખ્યું, ‘હા હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું મારા લખન.’
આ વીડિયોને શેર કરતાં અનિલે કેપ્શનમાં લખ્યું છે કે, હું લોકડાઉનમાં બીચ પર જવું અને ત્યાં દોડવાનું સપનું જોઈ રહ્યો હતો. આખરે હું બીચ પર મારા ટ્રેનર સાથે પહોંચ્યો. ત્યારબાદ, જેકી અને અનિલ કપૂરના ફેન્સ પણ હિટ ફિલ્મ ‘રામ લખન’ની સિક્વલની માગણી કરી રહ્યા છે. કેટલાક ફેન્સ કહે છે કે અનિલના પુત્ર હર્ષવર્ધન કપૂરે લખન અને જેકીના પુત્ર ટાઇગર શ્રોફે રામની ભૂમિકા ભજવવી જોઈએ.