મુંબઇ : ટીવી જગતમાં સફળતા પ્રાપ્ત કર્યા બાદ અમુક કલાકારો પોતાના અંગત જીવનના સંબંધોમાં ખરા ઊતરી શકતા નથી. તેમ છતાં તેઓ પોતાને ખુશ રાખવાની અને પ્રેમ કરવાના બીજા કારણોને શોધતા હોય છે. અભિનેત્રી શ્ર્વેતા તિવારીને પણ ‘કસોટી ઝિંદગી કી’ સિરિયલમાં પ્રેરણાનું પાત્ર ભજવ્યા બાદ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી, પરંતુ અંગત જીવનમાં ઘણા ઉતારચઢાવનો સામનો કરવો પડી રહ્યો છે.
નાના પડદાની સફળ અભિનેત્રીઓમાંની એક શ્ર્વેતા તેના લગ્નજીવનને બચાવી શકી નહીં એ વાત ખોટી નથી. લગ્ન અને છૂટાછેડાને કારણે ચર્ચામાં રહેતી શ્ર્વવેતાના બે વાર લગ્ન તૂટી ગયા બાદ તેને ત્રીજી વાર પણ પ્રેમ થયો છે. જોકે, તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે તે તેનો પ્રેમ કોઇ પુરુષ નહી, પણ તેના બે બાળકો છે. નોંધનીય છે કે શ્ર્વેતાએ વર્ષ ૧૯૯૮માં ટીવી અભિનેતા રાજા ચૌધરી સાથે વિવાહ કર્યા હતાં, પરંતુ તેની સાથે માનસિક અને શારીરિક અત્યાચાર થઇ રહ્યા હોવાથી શ્ર્વેતાએ રાજા સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ શ્ર્વેતાએ અભિનવ કોહલી સાથે વર્ષ ૨૦૧૩માં લગ્ન કર્યા હતાં, પરંતુ ફરી એક વાર તેના પ્રેમસંબંધો સારા ચાલી રહ્યા ન હોવાથી વર્ષ ૨૦૧૯માં ડિવોર્સ ફાઇલ કર્યો હતો. હાલમાં શ્ર્વેતા પાસે તેના બે બાળકો અને કામ જ છે, જેનાથી તે પ્રેમ કરી રહી છે. મારા બાળકો સિવાય હવે મારા જીવનમાં કોઇની માટે જગ્યા બચી નથી, એવું તેણે કહ્યું હતું.