Charotar Sandesh
ઉત્તર ગુજરાત

અમદાવાદમાં એક જ વર્ષમાં ગુજરાતી મીડિયમની ૨૫ સ્કૂલોને વાગ્યા તાળાં…

ગુજરાતી તરફનું વળગણ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે…

અમદાવાદ : નિષ્ણાંતો દ્વારા સતત માતૃભાષામાં શિક્ષણ અંગે અનેકવાર કહેવા અને સરકાર દ્વારા પણ માતૃભાષાના જતન માટે અનેક પ્રયાસો છતા ગુજરાતી તરફનું વળગણ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. જેનું પરિણામ છે આજે કોઈ માતા-પિતા પોતાના બાળકોને ગુજરાતી શાળામાં બેસાડવા માટે તૈયાર નથી. માતૃભાષાની જાળવણીને આપણે અનેક બુલબાંગો મારીએ પણ જો બાળક પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ જ નહીં મેળવતું હોય તો તેને આ ભાષા તરફ ક્યારેય લગાવ નહીં રહે. એટલે આજે ગુજરાતી માધ્યમની સ્કૂલો ટપોટપ બંધ થઈ રહી છે અને જો કોઈ શરું છે તો તે બંધ થવાના વાંકે ચાલી રહી છે. આવી સ્કૂલો એવા જ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે જેમના માટે અંગ્રેજી માધ્યમના શિક્ષણનો ખર્ચ પોષાય તેમ નથી આ એક વરવી અને કડવી વાસ્તવિક્તા છે. આંકડાની સાક્ષીએ જોઈએ તો અમદાવાદ શહેરમાં એક વર્ષમાં જ ૨૫ જેટલી સ્કૂલો વિદ્યાર્થીઓ ન મળવાના લીધે બંધ થઈ હોવાનું સામે આવ્યું છે.

મોટાભાગની સ્કૂલો વિદ્યાર્થીઓના અભાવે ખર્ચ ભોગવી શકે તેવી સ્થિતીમાં ન હોવાથી બોર્ડ સમક્ષ સામે ચાલીને સ્કૂલ બંધ કરવા માટે રજૂઆત કરતી હોય છે અને તેના આધારે બોર્ડ સ્કૂલો બંધ કરવાની મંજુરી આપે છે. શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની મળી ૨૫ જેટલી સ્કૂલો વિદ્યાર્થીઓ ન મળવાના લીધે બંધ થઈ છે. જેમાં મોટાભાગની ગુજરાતી માધ્યમની સ્કૂલો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં આવેલી સ્કૂલો પૈકી ઘણી સ્કૂલોને પુરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ ન મળવાના લીધે તેમને સ્કૂલ ચલાવવી અઘરી પડે છે. શિક્ષકોના પગાર અને સ્કૂલોના ખર્ચની સામે ફીની પુરતી આવક ન થવાના લીધે આવી સ્કૂલો દ્વારા શિક્ષણ બોર્ડ સમક્ષ સામેથી અરજી કરી સ્કૂલ બંધ કરવા માટે જણાવવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં આવી ૨૫ જેટલી સ્કૂલો ૨૦૧૯થી જૂન-૨૦૨૦ દરમિયાન બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ સ્કૂલો પૈકી મોટાભાગની સ્કૂલો પૂર્વ વિસ્તારમાં આવેલી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં વાલીઓમાં અંગ્રેજી માધ્યમનો ક્રેઝ જે રીતે વધી રહ્યો છે તેને જોતા આગામી દિવસોમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોની સ્થિતી વધુ કફોડી બનશે. શહેરમાં એક જ વર્ષમાં જે ૨૫ સ્કૂલો બંધ થઈ છે તે તમામ સ્કૂલો ગુજરાતી માધ્યમની હોવાનું જાણવા મળે છે. જે સ્કૂલોને તાળા વાગ્યા છે તે પૈકી મોટાભાગની ગ્રાન્ટેડ સ્કૂલો છે અને બે જેટલી સ્કૂલો નોન ગ્રાન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે. આમ, ગ્રાન્ટેડ સ્કૂલોને ખાનગી સ્કૂલોના અતિક્રમણથી સૌથી વધુ અસર થઈ હોવાનું જાણવા મળે છે.

Related posts

‘વાયુ’ વાવાઝોડાની અસર… ધુળની ડમરીઓથી સોમનાથ મંદિર ઢંકાયું…!

Charotar Sandesh

કવાંટમાં પોણા ૪ ઇંચ અને છોટાઉદેપુરમાં ૨.૫ અઢી ઇંચ વરસાદથી હેરણ નદીમાં પુર…

Charotar Sandesh

પોલીસ પ્રત્યે પ્રજાના રોષના કારણ જાણવા આ આઈપીએસ ‘કોફી વીથ વિપુલ’ કાર્યક્રમ યોજશે… જાણો…

Charotar Sandesh