અમદાવાદ : આગામી ૨૧ ફેબુ્રઆરીના રોજ અમદાવાદ શહેરના ૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.આ અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકારણીઓએ ચૂંટણી પ્રચાર માટે ન આવવું અને રોડ નહીં તો વોટ નહીં જેવા બેનરો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટની બહાર સ્થાનિક રહીશો દ્વારા લગાવી દેવામાં આવતા બંને રાજકીય પક્ષોના ઉમેદવારોની અંતિમ યાદી જાહેર થાય એ અગાઉ લાગી ગયેલા બેનરોથી રાજકીય પક્ષો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.
આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ વોર્ડમાં આવેલી કેટલીક સોસાયટી અને એપાર્ટમેન્ટની બહાર ચૂંટણી ટાણે વચનો આપતા રાજકીય પક્ષોએ સોસાયટીમાં ચૂંટણી પ્રચાર માટે પ્રવેશવું નહીં એ પ્રમાણેના બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે.
ઉપરાંત નવા નરોડા વિસ્તારમાં આવેલા વાલ્કેશ્વર હાઈટસ,વાલ્કેશ્વર ફલોરા, વચનામૃત સહિતની સોસાયટીઓમાં રોડ નહીં તો વોટ નહીં એવા લખાણ સાથેના બેનરો રહિશો દ્વારા લગાવી દેવામાં આવતા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત થાય એ અગાઉ જ મતદારો જાગૃત થતા રાજકીય પક્ષોના ઉમેદવારોને કઈ રીતે પ્રચાર કરવો એ એક પ્રશ્ન થઈ ગયો છે.