ગાંધીનગર : લોકડાઉન બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગુજરાત સરકારે દાયકા જૂના અમદાવાદ-ધોલેરા ફોર-લેન એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટના વિકાસ કાર્યો શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. રૂપિયા ૩૫૦૦ કરોડ અમદાવાદ-ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટીમેન્ટ રિઝનના રોડ માટે નક્કી કરાયા છે અને ટૂંક સમયમાં જ તેનું કામ શરૂ થઈ જશે.
આ ઉપરાંત રાજ્ય સરકારે એસઆઇઆરમાં ૭૦૦ મેગાવોટના સોલવ પાવર જનરેશનના કામને પણ મંજૂરી આપી દીધી છે. ચોમાસા બાદ પાવર જનરેશન અને એક્સપ્રેસ-હાઈવેના ૮૫૦૦ કરોડ રૂપિયાના પ્રોજેકટનું કામકાજ શરૂ થઈ જશે. ૧૧૦ કિલોમીટર લાંબો ચાર લેનનો હાઈવે પ્રોજેક્ટ ૧૮થી૨૪ મહિનામાં પૂરો થવાનો અંદાજ છે.
મુખ્યમંત્રી અને ઈન્ડસ્ટ્રી એન્ડ માઈન્સ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ દાસ ધોલેરા એસઆઇઆર પ્રોજેક્ટની દેખરેખ કરી રહ્યા છે. તેઓ કહે છે, જમીન સંપાદનનું પડકાર રૂપ કામ પૂરું થઈ ગયું છે અને ટેન્ડરની પ્રક્રિયા પણ સમાપ્ત થઈ ગઈ છે. તેઓ કહે છે, એક્સપ્રેસ પ્રોજેક્ટ માટે ૩૫૦૦ કરોડ ફાઈનલ કરાયા છે. એનએચઆઇએ અને ગુજરાત સરકાર ચોમાસા બાદ કામની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે કરતા પણ વધુ એડવાન્સ ફીચર્સ હશે.
તેઓ કહે છે, એસઆઇઆરમાં રૂપિયા ૩૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ફોર-લેન એક્સપ્રેસવેથી આગામી દિવસોમાં વધુ રોકાણ અહીં થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે ધોલેરામાં પાછલા અઠવાડિયે ૭૦૦ મેગાવોટના પાવર જનરેશન કામને પણ મંજૂરી આપી હતી. જે બાદ અહીં વધુ ૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થવાની સંભાવનાઓ બને છે. એક્સપ્રેસવે અને પાવર જનરેશન પ્રોજેક્ટ સાથે મળીને એસઆઇઆરમાં વધારે રોકાણકારોને આકર્ષશે.