અમદાવાદ : દેશભરમાં કોરોનાના મામલા ૧.૨૫ લાખને પાર પહોંચી ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસનો આંકડો ૧૩૦૦૦ને પાર પહોંચી ગયો છે. તો અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા ૧૦ હજારને નજીક પહોંચી ગઈ છે. આ વચ્ચે અમદાવાદથી સારા સમાચાર પણ સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને દાવો કર્યો છે કે, છેલ્લા ૧૫ દિવસમાં શહેરમાં રિકવરી રેટમાં ૧૪૦ ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોના વાયરસનું સૌથી વધુ ભોગ બન્યું છે. તે દેશના ટોપ-૫ શહેરોમાં સામેલ છે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે. તો હવે અમદાવાદના લોકો માટે સારા સમાચાર પણ આવ્યા છે. શુક્રવારે ૨૪ કલાકમાં ૨૫ લોકોના મૃત્યુ વચ્ચે તંત્ર દ્વારા રિકવરી રેટ વધવાનો દાવો કરવામાં આવ્યો છે. આઈએએસ અધિકારી રાજીવ ગુપ્તાએ જણાવ્યુ કે, શહેરમાં ૫ મેએ રિકવરી રેટ ૧૫.૮૫ ટકા હતો. તો ગુજરાતનો રિકવરી રેટ ૨૨.૧૧ અને ભારતનો રિકવરી રેટ ૨૮.૬૨ ટકા હતો. તેમણે દાવો કર્યો કે, છેલ્લા સપ્તાહમાં અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા અપનાવવામાં આવેલી બહુસ્તરીય રણનીતિને કારણે શહેરમાં રિકવર થનારાની સંખ્યા અવિશ્વસનીય રીતે વધી રહી છે.
ગુપ્તાએ જણાવ્યુ કે, ગુજરાતના ૯૨ ટકા અને ભારતના ૪૩ ટકાના મુકાબલે અમદાવાદમાં રિકવરી રેટમાં ૧૪૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.૨૧ મેએ શહેરમાં રિકવર થવાનો દર ૩૮.૧ ટકા નોંધાયો હતો. તો આ દિવસે ગુજરાતમાં રિકવરી રેટ ૪૨.૫૧ ટકા હતો અને ભારતનો રિકવરી રેટ ૪૧.૦૬ ટકા હતો. પરંતુ શહેરમાં વધતા રિકવરી રેટની પાછળ કારણને લઈને ગુપ્તાએ જવાબ આપવાનું ટાળ્યું હતું.